મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

2044 સુધી પાંજરાપોળમાં ફલાયઓવરની કોઈ જરૂર નથી, હાઇકોર્ટે ઉઠાવ્યો સવાલ

પાંજરાપોળથી IIM સુધી ફલાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતા અકસ્માતોને લઈ ગુજરાત હાઈકોર્ટમા

2044 સુધી પાંજરાપોળમાં ફલાયઓવરની કોઈ જરૂર નથી, હાઇકોર્ટે ઉઠાવ્યો સવાલ

પાંજરાપોળથી IIM સુધી ફલાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતા અકસ્માતોને લઈ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી ચાલી રહી છે. દરમિયાન શુક્રવારે (13 ડિસેમ્બર) અરજદારપક્ષ તરફથી ખુદ AMC ના સત્તાધીશો દ્વારા જ નિષ્ણાંત સંસ્થા પાસેથી મેળવાયેલા રિપોર્ટ અને તેના તથ્યોને લઈ બહુ ગંભીર અને વેધક સવાલો ઉઠાવ્યા હતા. એટલું જ નહી, આ રોડ પર ટ્રાફિકના ક્રમશઃ સતત ઘટાડાને જોતાં આગામી વર્ષ 2044 સુધી ફલાયઓવરની કોઈ જ જરૂરિયાત જણાતી નથી. ખુદ AMCના રિપોર્ટ અને સરવે પરથી આ હકીકત સામે આવી છે. 

આ પણ વાંચો: 'ખાનગી હોસ્પિટલો દર્દીઓને પોતાના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા ફરજ નહીં પાડી શકે', સરકારનો આદેશ

કોર્પોરેશનના રિપોર્ટમાં થયો ખુલાસો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોન્ટ્રાકટર રણજિત બિલ્ડકોનને આ ફલાયઓવરનો કોન્ટ્રાકટ આપ્યો છે, તેની વિરૂઘ્ધમાં લોકાયુકતે હુકમ કર્યો હતો અને તેને અગાઉ બ્લેકલીસ્ટેડ પણ કરાયો હતો. તેમ છતાં તેના જ ગ્રુપની કંપનીને કોર્પોરેશનના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટ આપી દીધો છે. પરંતુ, આ ગ્રુપ દ્વારા 9 વર્ક કોન્ટ્રાક્ટ ફેલ ગયા છે અને માનવ મૃત્યુ સહિતના ગંભીર બનાવો પણ આ કોન્ટ્રાકટરની બેદરકારીને લઈને સામે આવ્યા છે, તેથી જાહેરહિતમાં તેને આ કામ ન અપાવું જોઈએ. 

વાહનોના ઘસારામાં 40 ટકા સુધીનો ઘટાડો

અરજદારપક્ષ તરફથી સિનિયર કાઉન્સેલ મિહિરભાઈ ઠાકોરે અદાલતનું ઘ્યાન દોર્યું હતું કે, જે પ્રકારે આ રિપોર્ટ તૈયાર કરાયા છે અને તેમાં જે તથ્યો રજૂ થયા છે તે ભારે શંકા જન્માવે છે. વળી, ખુદ રિપોર્ટની વાતોને પણ જો ઘ્યાનમાં લઇએ તો, વર્ષ 2012 અને 2020ની સરખામણીએ વર્ષ 2024માં IIM ચાર રસ્તા પાસે પીક અવર્સમાં વાહનોના ઘસારામાં 30થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની છરીના ઘા મારી હત્યા

અરજદારપક્ષ તરફથી અદાલતનું એ મુદ્દે વારંવાર ઘ્યાન દોરાયું કે, AMCએ આ વિવાદિત રોડ પર ફલાયઓવરને લઇ વર્ષ 2012, વર્ષ 2020માં અને વર્ષ 2024માં એમ કુલ ત્રણ રિપોર્ટ અત્યાર સુધીમાં મેળવ્યા છે. વર્ષ 2012માં આ માર્ગ પરથી દસ હજારની આસપાસ વાહનો પસાર થતા હતા, જે વર્ષ 2020માં 8582 અને વર્ષ 2024માં ઘટીને છ હજાર જેટલા થઈ ગયા છે. સત્તાધીશોએ ભવિષ્યમાં આ રોડ પર ટ્રાફિક વધવાની સંભાવનાને આધાર બનાવી ફલાયઓવરનો સૂચિત પ્રોજેકટ મૂકયો છે પરંતુ હકીકત એ છે કે, આ રોડ પર વાહનો વધવાને બદલે નોંધનીય રીતે ઘટયા છે. 

જો રોજ એક લાખથી વઘુ વાહનો પસાર થતા હોય ત્યારે બ્રિજની જરૂરિયાત ઉભી થાય અને બ્રિજ બનવાથી ફાયરબ્રિગેડના મોટા વાહનો પણ પસાર ન થઇ શકે તેવી પરિસ્થિતિ બનશે. ટૂંકમાં, અમે બંને તરફ ઓવરબ્રિજ બનાવવાના વિરોધમાં છીએ. અમદાવાદ શહેર હવે નવા પશ્ચિમ તરફ વઘુ વિસ્તરી રહ્યું છે. હાઈકોર્ટે અરજદારને સાંભળી કેસની વઘુ સુનાવણી આવતા સપ્તાહે રાખી છે.

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની જમીન પર બનાવી દેવાઈ મસ્જિદ, વકફ કમિટીનો દાવો પડ્યો ઉલટો

લોકોના જીવન અને સુરક્ષા સાથે સંકળાયેલો મુદ્દો

અરજદારપક્ષ તરફથી આ સૂચિત ફલાયઓવરનું કામ જે રણજિત  ગ્રુપને અપાયું છે, તેને લઈને પણ બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં. આ વિશે કોર્ટને જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાકટર દ્વારા કરાયેલા 9 જૂદા-જૂદા પ્રોજેકટ ફેલ ગયા છે. આ કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરાયો હતો, પરંતુ એક કમિટી બનાવી તેને બેલ્કલીસ્ટમાંથી તેમાં બહાર કાઢી દેવાયો. જે 9 ગંભીર બનાવો આ કોન્ટ્રાકટની નિષ્કાળજી અને બેદરકારીના કારણે બન્યા હતા, જેમાં મજૂરો સહિતના લોકોના મોત પણ થયા હતાં. તે તમામ વિગતો હાઈકોર્ટના ઘ્યાન પર મૂકાઈ હતી. AMC તરફથી બચાવ કરાયો હતો કે, આ કામ રણજિત બિલ્ડકોન નહી પરંતુ રણજિત કન્સ્ટ્રકશનને અપાયું છે, તેથી અરજદારે કોર્ટ સમક્ષ ખુલાસો કર્યો કે, એક જ ગ્રુપ છે અને ઓફિસ પણ કોમન છે. વળી, પાર્ટનર અને ડિરેકટર પણ આ ત્રણેય કંપનીઓમાં સામેલ છે. તેથી આવા લોકોના જીવન સાથે રમત રમનારા કોન્ટ્રાકટરને કોઈપણ સંજોગોમાં કોન્ટ્રાકટ ન આપી શકાય. આ લોકોના જીવન અને સુરક્ષા સાથે સંકળાયેલો સંવેદનશીલ મુદ્દો છે. 

સરવેને લઈને પણ થયાં સવાલ

આ સિવાય પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની આવશ્યકતા નહીં હોવા છતાં મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને સત્તાધારી પક્ષ દ્વારા એનકેન આ ફલાયઓવરબ્રિજ બનાવવા વિવિધ પ્રકારના પ્રયાસ શરૂ કરી દેવાયા હતા. AMC તંત્રે પાંજરાપોળ જંકશન ઉપર સુચિત ફલાયઓવરબ્રિજ બનાવવા સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીયુટ ઓફ ટેકનોલોજીને સુચિત ફલાયઓવરબ્રિજ માટે ટ્રાફિક સરવે કરાવવા 14 ઓગસ્ટે નિમણૂંક આપી હતી. આ અગાઉ 6 ઓગસ્ટે ફલાયઓવર બ્રિજ મામલે ટ્રાફિક અંગેનો સરવે કરાયો હતો.

માત્ર 19 લોકોનો લેવાયો અભિપ્રાય

સરવે અંગે એજન્સી તરફથી આપવામાં આવેલા વચગાળાના રીપોર્ટને રીપ્રોડયુસ કરી ફાઈનલ રીપોર્ટ તરીકે રજૂ કરવા પાછળ કોન્ટ્રાકટરને લાભ ખટાવવાનો કારસો રચાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુચિત ફલાયઓવરબ્રિજ બનવાથી લાખો લોકોને અસર પહોંચવાની છે. આમ છતાં માત્ર 19 લોકોના અભિપ્રાય સરવેમાં લેવામા આવ્યા હોવાનુ પણ બહાર આવ્યું છે.

આ પણ વાંચો: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની સુવિધામાં કરાશે વધારો, જૂની બિલ્ડિંગ તોડી નવી વિકસાવાશે

હાઈકોર્ટની ટિપ્પણી

હાઈકોર્ટે કેસની સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે, ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ એ શહેરની જરૂરિયાત છે. કારણ કે, ભાવિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈન્ફ્રાસ્ટ્રકચર થતું હોય છે. પરિવર્તન સતત ચાલતી પ્રક્રિયા છે અને તે આપણે સ્વીકારવો પડશે. ઓલ્ડ સીટીને એમ ને એમ ના મૂકી શકીએ અને ઓલ્ડ સીટીનો પણ વિકાસ થવો જોઈએ. વળી, બ્રિજ ક્યાં બનાવવો એ તજજ્ઞ નિષ્ણાતોનો વિષય છે, તે કોર્ટ નક્કી ના કરી શકે કે બ્રિજ ક્યાં બનવો જોઈએ.

આ સમાચાર શેર કરો