Video/ Surat પોલીસની ઘોર બેદરકારી: 10 વર્ષની બાળકી ગુમ થયાના 11 દિવસ પછી પોસ્ટર લગાવવાનો શું અર્થ?
સુરતના સચિન GIDC વિસ્તારમાંથી ગુમ થયેલી 10 વર્ષની માસૂમ બાળકીના કેસમાં પોલીસન

સુરતના સચિન GIDC વિસ્તારમાંથી ગુમ થયેલી 10 વર્ષની માસૂમ બાળકીના કેસમાં પોલીસની ભૂમિકા હવે શંકાના દાયરામાં છે. કોઈપણ અપહરણ કે ગુમ થવાના કેસમાં શરૂઆતના 48 કલાક 'ગોલ્ડન અવર્સ' ગણાય છે, પરંતુ સચિન GIDC પોલીસે આ મહત્વનો સમય વેડફી નાખ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
11 દિવસ પછી પોસ્ટર લગાવવાનો શું અર્થ?
શ્રમિક પરિવારની દીકરી છેલ્લા 11 દિવસથી લાપતા છે. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે પોલીસને શંકા છે કે બાળકી જબલપુરમાં હોઈ શકે છે, ત્યારે 11 દિવસ પછી સુરતની ગલીઓમાં પોસ્ટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કાયદાકીય પ્રોટોકોલ મુજબ, બાળક ગુમ થાય એટલે તુરંત જ જાહેર સ્થળોએ ફોટા લગાડવા જોઈએ, જેમાં સુરત પોલીસે ભારે વિલંબ કર્યો છે.
પોલીસનો બચાવ: 1000 CCTV ચકાસ્યા
બીજી તરફ, પોલીસ પોતાની કામગીરીનો બચાવ કરતા જણાવી રહી છે કે તેઓએ બાળકીને શોધવા માટે 1000થી વધુ CCTV ફૂટેજ ચકાસ્યા છે. પોલીસ હાલ જબલપુર પોલીસ અને રેલવે પોલીસના સતત સંપર્કમાં છે. પોલીસનું કહેવું છે કે જનતાને જાગૃત કરવા માટે હવે પોસ્ટર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
સિસ્ટમ સામે ઉઠતા સવાલો
જો પોલીસને બાળકી જબલપુરમાં હોવાની જાણકારી છે, તો સુરતમાં પોસ્ટર લગાવીને શું સાબિત કરવા માંગે છે? શું સરહદ ઓળંગતા પહેલા બાળકીને રોકવા માટે નાકાબંધી કે સોશિયલ મીડિયાનો ઉપયોગ સમયસર કરવામાં આવ્યો હતો? 264 કલાકનો વિલંબ શું માસૂમ બાળકીના જીવને જોખમમાં નથી મૂકી રહ્યો?








