વડનગરમાં બે દિવસીય તાના-રીરી મહોત્સવનું સમાપન, શાસ્ત્રીય સંગીતની સુરાવલીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

વડનગરમાં બે દિવસીય તાના-રીરી મહોત્સવનું સમાપન, શાસ્ત્રીય સંગીતની સુરાવલીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડનગરમાં આયોજિત બે દિવસીય તાના-રીરી મહોત્સવ-2026નું શુક્રવારે (20 નવેમ્બર) સમાપન થયું હતું. ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની બે દીકરીઓ તાના અને રીરીની કલા તથા બલિદાનના સંસ્મરણને લઈને પ્રતિવર્ષ સમાધિ સ્થળે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ યોજાય છે.

શાસ્ત્રીય સંગીતના મૂર્ધન્ય કલાકારોની કર્ણપ્રિય પ્રસ્તુતિએ શ્રોતાઓને ડોલાવ્યા

જાહેરાત

વડનગરમાં તાના-રીરી સમાધિસ્થળે રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસના સંગીત મહોત્સવના પ્રથમ દિવસે કુમારી સૂર્યા ગાયત્રીએ પોતાના શાસ્ત્રીય ગાયનથી વાતાવરણમાં ભક્તિભાવ રેલાવ્યો હતો. પદ્મ શ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ અને વિદ્વાન કુમારેશ રાજગોપાલને શાસ્ત્રીય યુગલવાદન દ્વારા સંગીતની ભવ્યતાના દર્શન કરાવ્યા હતા. જ્યારે હાર્દિક દવેએ લોકગીતોની સુમધુર રજૂઆતથી વડનગરને સંગીતમય બનાવી દીધું હતું.

તેમજ બીજા દિવસે પંડિત જયતીર્થ મેવુન્ડી શાસ્ત્રીય ગાયન, પંડિત પૂર્વાંયન ચેટજી અને તેમના વૃંદ દ્વારા શાસ્ત્રીય વાદન અને ભૌમિક શાહ લોકકલા ક્ષેત્રે પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી. બે દિવસ સુધી ગાયન, વાદન અને નૃત્યના રચાયેલા ત્રિવેણી સંગમથી શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા.

પ્રતિભાઓનું તાના-રીરી એવોર્ડ આપી સન્માન કરાયું

જ્યારે દેશમાં સંગીત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓનું તાના-રીરી એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દ્વારા સંગીત જગતના કલાકારોને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત