પરિક્રમા કરવા જાઓ અને કંઈ ભૂલી જાઓ તો ચિંતા નહીં! જંગલમાં જ મળશે જરૂરી સામાન

ગિરનાર જંગલમાં હાલ પરિક્રમાનો માહોલ જમ્યો છે. ત્યારે ગાઢ જંગલમાં ફળ, શાકભાજી, કરિયાણા અને ચપ્પલ સહિતની વસ્તુઓની દુકાનો દર વર્ષે હોય છે પરંતુ આ વખતે મહિલાઓના કપડાં, મોબાઈલ એસેસરીઝ સહિતની ચીજવસ્તુઓ જંગલમાં ઉપલબ્ધ થઈ છે.
ગિરનાર જંગલમાં સર્જાયો મંગલમય માહોલ
ગઈકાલ (21 નવેમ્બર) સવારથી પરિક્રમામાં રૂટ પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. આજે રૂટ યાત્રિકોનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો. પરિક્રમા શરૂ થતા જ હાલ ગિરનાર જંગલમાં મંગલમય માહોલ છવાયો છે. ગાઢ જંગલમાં જીવન જરૂરી વસ્તુ મળી રહે એ માટે દુકાનો શરૂ થઈ ગઈ છે.
જંગલમાં ઠંડાપીણા, કરિયાણા સાથે કપડાં અને મોબાઈલ એસેસરીઝના પણ સ્ટોલ
પરિક્રમા રૂટ પર દર વર્ષે ફળ, શાકભાજી, કરિયાણા, ઠંડાપીણા, ચા, નાસ્તાના સ્ટોલ તેમજ વાસણ અને ચપ્પલની દુકાન, મકાઈ, નાળિયેર પાણીના સ્ટોલ તો થાય જ છે પરંતુ આ વખતે ચણીયાચોલી, બેલ્ટ, મોબાઈ એસેસરીઝ સહિતની વસ્તુના સ્ટોલ પણ થયા છે. યાત્રિકો કોઈ વસ્તુ સાથે ન લાવ્યા હોય તો તેઓને જીવન જરૂરી વસ્તુ જંગલના રૂટ પર જ મળી જાય છે.
માવા પર પ્રતિંબધના કારણે પાનનો ધંધો ધમધોકાર
જંગલમાં પ્લાસ્ટિક ન જાય એ માટે કડક ચેકિંગ ચાલી રહ્યું છે. પ્લાસ્ટિકમાં પાન માવા લઈ આવેલા અનેક યાત્રિઓના માવા કબ્જે કરી લેવાતા અનેક બંધાણીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તો અમુક ચોરી છુપીથી માવા લઈ જવામાં સફળ રહ્યા હતા. પરંતુ માવા બંધાણીઓને પાનનો વિકલ્પ મળી ગયો હતો. માળવેલા આસપાસના વિસ્તારમાં પાનના સ્ટોલ થયા છે જ્યાં મસાલાવાળા મીઠાપાન ઉપરાંત તમાકુયુક્ત પાન પણ ઉપલબ્ધ હતા. માવા વિના ન રહી શકતા લોકોએ આ પાન ખાઈને તલબ પુરી કરી હતી. માવા પરના પ્રતિબંધના કારણે આ વિસ્તારમાં પાનનો ધંધો ધમધોકાર ચાલી ગયો હતો.
















