Video: લીલી પરિક્રમામાં દીપડો દેખાતાં યાત્રિકોને સુરક્ષિત સ્થળે રોક્યા

જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર દીપડાની લટાર જોવા મળતાં યાત્રિકોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. ગઈકાલે રાત્રે સરકડિયા ઘોડી નજીક દીપડો દેખાતાં યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરિક્રમા માર્ગ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે ભાવિકોને સુરક્ષિત સ્થળે રોકી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જૂનાગઢ વન વિભાગની ટીમ અને ટ્રેકર્સ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ દીપડાને સુરક્ષિત રીતે પરિક્રમા માર્ગથી દૂર ગાઢ જંગલ તરફ વાળવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યા બાદ માર્ગ ફરી ખુલ્લો મુકાયો હતો અને 'જય ગિરનારી'ના નાદ સાથે પરિક્રમા ફરી શરૂ થઈ હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને યાત્રિકોની સુરક્ષા માટે રેસ્ક્યુ ટીમ સતત તૈનાત રહી હતી.
જાહેરાત














