બોટાદમાં લીલી પરિક્રમાએ જતાં શ્રદ્ધાળુઓનાં મિનિ મેટાડોરની પલ્ટી, 15ને ઈજા

બોટાદમાં લીલી પરિક્રમાએ જતાં શ્રદ્ધાળુઓનાં મિનિ મેટાડોરની પલ્ટી, 15ને ઈજા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બોટાદથી જૂનાગઢની લીલી પરિક્રમા કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓને જસદણના ઈશ્વરિયા ગામ નજીક અકસ્માત નડયો હતો. આશરે ૧૫ લોકો સવાર હતા તે માલવાહક મિનિ મેટાડોરનું અચાનક ટાયર ફાટતાં વાહન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને મિનિ મેટાડોર રસ્તા પર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં છ લોકોને ગંભીર સહિત આશરે ૧૫ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્તોમાંથી પાંચની હાલત નાજુક હોવાથી તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.


જૂનાગઢની લીલી પરિક્રમા કરવા મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે ત્યારે બોટાદ પંથકમાંથી પણ ૧૫ જેટલા લોકો માલવાહક મિનિ મેટાડોરમાં જૂનાગઢ જવા નીકળ્યા હતા, જેમને જસદણ નજીક ગોજારો અકસ્માત નડયો હતો. જે અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે આટકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જાહેરાત

હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા તમામ ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ સાથે રાજકીય અને સામાજિક આગેવાનો અને કાર્યકરો પણ પહોંચી ગયા હતા. તેમણે ઈજાગ્રસ્તોને જરૂરી મદદ પૂરી પાડવા તત્પરતા દર્શાવી હતી. બીજી તરફ ગોંડલના ડીવાયએસપી કે.જી. ઝાલા પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે ઈજાગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારજનોની મુલાકાત લઈ પોલીસ તરફથી તમામ જરૂરી મદદની ખાતરી આપી હતી.


ઈજાગ્રસ્તોમાં રેવાણીયા ગામના પરસોત્તમભાઈ જમોડ, રણછોડભાઈ જમોડ, વિવેકભાઈ જમોડ, બરવાળાના રવજીભાઈ પરમાર, બોટાદના વિમલભાઈ ખાસલીયા, અજયભાઈ ભટ્ટ, સરવા ગામનાં લક્ષ્મીબેન સવાણી, ધર્મેશભાઈ સવાણી, પાળીયાદનાં કૈલાશબેન દેવાણીયા અને આટકોટના હસમુખભાઈ દેવાણીયાનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત