ગુજરાતના જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન:સાંજે અમદાવાદમાં અંતિમ યાત્રા નીકળશે

ગુજરાતના જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લનું 84ની વયે આજે વહેલી સવારે નિધન થયું છે. ગુજરાતી સાહિત્યના આકાશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની વિદાયથી ગઝલ અને કવિતાના ક્ષેત્રે એક યુગનો અંત આવ્યો છે
રાજેન્દ્ર શુક્લએ અમદાવાદમાં છેલ્લા શ્વાસ લીધા
રાજેન્દ્ર શુક્લએ અમદાવાદમાં છેલ્લા શ્વાસ લીધા છે.રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ 12 ઑક્ટોબર, 1942ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ આવ્યા હતા. વર્ષ 1965માં એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે સ્નાતક થયા અને 1967માં અનુસ્નાતકની પદવી મેળવી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે અધ્યાપનક્ષેત્રે પણ સેવાઓ આપી હતી. જોકે, વર્ષ 1982માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ તેમણે પોતાનો મોટાભાગનો સમય સાહિત્યસાધના અને પરિવારને સમર્પિત કર્યો હતો.
જૂનાગઢના બાંટવા ગામે જન્મેલા રાજેન્દ્ર શુક્લએ અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યા હતા, જેમાં 2006માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને 2007માં સાહિત્ય અકાદમી પુરસ્કારનો સમાવેશ થાય છે. તેમની અંતિમયાત્રા સાંજે 6 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી થલતેજ સ્મશાનગૃહ સુધી નીકળશે.














