Video: ગુજરાતી સાહિત્યના ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન, સર્જનયાત્રાનો અંત

ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે અમદાવાદમાં નિધન થતાં ગઝલ અને કવિતાના ક્ષેત્રે એક યુગનો અંત આવ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી હાર્ટની સારવાર હેઠળ રહેલા રાજેન્દ્ર શુક્લે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા અને તેમની સ્મશાન યાત્રા સાંજે 6 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી થલતેજ સ્મશાન સુધી નીકળશે. 12 ઓક્ટોબર 1942માં જૂનાગઢના બાંટવા ખાતે જન્મેલા તેમણે અધ્યાપન કાર્યમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને કાવ્યસર્જન અને હોમ-સ્કૂલિંગ જેવા નવતર પ્રયોગોને સમય આપ્યો હતો. ‘કોમલ રિષભ’, ‘અંતર ગાંધાર’ અને પાંચ ભાગના બૃહદ ગ્રંથ ‘ગઝલસંહિતા’ સહિતની તેમની રચનાઓએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ તેમને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડ સહિતના અનેક સર્વોચ્ચ સન્માનોથી નવાજવામાં આવ્યા હતા.













