Video: સામ પિત્રોડાએ PM મોદીને 'ગુજરાતી મિત્ર' ગણાવી કર્યા વખાણ, વડાપ્રધાને સામ ભાઈ કહી પાઠવી નવા વર્ષની શુભેચ્છા!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાને દિવાળી અને ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. સામ પિત્રોડાએ વડાપ્રધાન સાથેના પોતાના અંગત સંબંધો વિશે ઉષ્માભરી વાત કરતો એક વીડિયો શેર કર્યો હતો, જેના જવાબમાં PM મોદીએ આ ખાસ સંદેશ લખ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સામ પિત્રોડાની ટિપ્પણીઓ ધરાવતી એક પોસ્ટ શેર કરતાં લખ્યું, સામ ભાઈ અને અંજના બહેન, આપને હેપ્પી દિવાળી અને નૂતન વર્ષાભિનંદન. આવનારું વર્ષ આનંદમય અને સ્વસ્થ રહે તેવી પ્રાર્થના. જય જગન્નાથ. આ સમગ્ર ઘટનાની શરૂઆત સામ પિત્રોડાના એક વીડિયો નિવેદનથી થઈ હતી, જેમાં તેમને PM મોદીને પોતાના ગુજરાતી મિત્ર ગણાવ્યા હતા. પિત્રોડાએ વડાપ્રધાનના વખાણ કરતાં કહ્યું, કે તેઓ એક ગુજરાતી મિત્ર છે. હું એક વ્યક્તિ તરીકે તેમનું સન્માન કરું છું. હું અને મારી પત્ની તેમને મળ્યા છીએ. તેઓ વ્યક્તિગત સ્તરે ખૂબ જ ઉષ્માભર્યા, પ્રેમાળ અને કાળજી રાખનારા રહ્યા છે. તેઓ એક સારા વક્તા અને મહેનતુ છે, અને અમારી વચ્ચે સારું બને છે. અમારી વચ્ચે કોઈ અંગત મતભેદ નથી. એક ગુજરાતી નેતા, મિત્ર કે શુભેચ્છક તરીકે મને મિસ્ટર મોદી સામે કોઈ વાંધો નથી. તેઓ મારા પ્રત્યે ખૂબ જ ઉષ્માભર્યા રહ્યા છે, અને હું તેની કદર કરું છું. તેવી જ રીતે, હું ગુજરાતમાં તેમના ઘરે પણ ઘણી વખત ગયો છું.






