ધરમપુરના બારસોલમાં પ્રેમી પંખીડાના આપઘાત, એક ન થઈ શકતા ઝાડ પર લટકીને આપી દીધા જીવ
એક ન થઈ શકતાં મોટાભાગે પ્રેમી પંખીડા સજોડે જીવ આપી દીધા હતાં. આવો જ એક બનાવ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બાર

એક ન થઈ શકતાં મોટાભાગે પ્રેમી પંખીડા સજોડે જીવ આપી દીધા હતાં. આવો જ એક બનાવ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારસોલ ગામમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવક અને યુવતીએ આપઘાત કરી લીધો છે. આંબાની વાડીમાં બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યાં છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દોરડું બાંધીને ફાંસો ખાધો
બારસોલ ગામમાં આવેલી આંબાવાડીમાં યુવક ખેતરમાં પાણીની સિંચાઈ કરવા ગયો હતો. તે દરમિયાન તેણે સચીનભાઈ આહિરની આંબાની વાડીમાં બે મૃતદેહ જોયા હતા. જેથી તરત જ તેણે ગામના સરપંચ પ્રભાતભાઈ મગનભાઈને જાણ કરી હતી. મૃતક યુગલની ઓળખ મુકેશભાઈ રાયસીંગભાઈ પટેલ અને ઉર્વશીબેન ગમનભાઈ પટેલ તરીકે થઈ છે. બન્નેએ આંબાના ઝાડ પર નાયલોનના દોરડા વડે ગળેફાંસો ખાધો હતો.
મૃતદેહોને નીચે ઉતારાયા
આપઘાતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહોને નીચે ઉતારવામાં આવ્યાં હતા. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.પોલીસે પરિવારજનોના નિવેદન લીધા છે અને આ આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રેમ પ્રકરણ કે અન્ય કોઈ કારણસર આ પગલું ભર્યું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.








