સુરતમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, સાસરિયાઓ માનસિક ત્રાસ આપતા હોવાનો પિયર પક્ષનો આક્ષેપ
સુરતના પાલ વિસ્તારમાં રેહતી 30 વર્ષીય એકાઉન્ટન્ટ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મ

સુરતના પાલ વિસ્તારમાં રેહતી 30 વર્ષીય એકાઉન્ટન્ટ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિણીતાના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાં વાળા માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેજિસ્ટ્રેટની કામગીરી પૂર્ણ થયા બાદ પરિણીતાનું પોસ્ટમોટર્મ કરાવવામાં આવ્યું હતું.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના પાલ વિસ્તારમાં આવેલ સોહમ એલીગેન્સ રેસીડેન્સીમાં ડી-બિલ્ડીંગમાં 8મા માળે ઘર નંબર 805માં 30 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ વરેલીયા પોતાના પરિવાર સાથે રહેતી હતી. રાત્રે અચાનક શિલ્પાબેને ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે રાત્રે શિલ્પાબેને રૂમનો દરવાજો બંધ કરી ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. જેથી પરિવારને જાણ થતા દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો ના ખુલતા ફાયરમાં જાણ કરી હતી.
ફાયરના જવાનોએ દરવાજો તોડ્યો અને અંદર જોતા શિલ્પાબેન લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આપઘાતની જાણ પિયર પક્ષના લોકોને થતા તેઓ તાત્કાલિક અંકલેશ્વરથી સુરત પહોંચ્યા હતા. દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. પરિણીતાના મોતને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી પરિવારના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. ફાયર ઓફિસર કીર્તિ મોઢે જણાવ્યું હતું કે, કોલ મળ્યો હતો કે દરવાજો લોક કરી દેવામાં આવ્યો છે અને ખૂલતો નથી. ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને દરવાજો તોડતા અંદર મહિલા પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકતી હાલતમાં મળી આવી હતી. બાદમાં મહિલાને નીચે ઉતારીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.





