તહેવારો ટાણે જ બૂટલેગરો સક્રિય: કાળી કારમાં છુપાવીને લઈ જવાતી 192 દારૂની બોટલો સાથે શખ્સ જેલભેગો!

અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીકથી વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ થયો છે, જેમાં 192 દારૂની બોટલો, કાર અને મોબાઇલ ફોન સહિતનો 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાતમીના આધારે કાર્યવાહી
અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે ધંધુકાના નશીબ સોસાયટી વિસ્તારમાં રહેતો સાકીરહુસેન ઉર્ફે ભાણો આરિફભાઈ મેમણ પોતાની કાળા રંગની સ્વિફ્ટ કાર (નંબર GJ-38-BF-9838)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને બરવાળા તરફથી ધંધુકા તરફ આવી રહ્યો છે.
કારની પાછળની સીટમાં રાખેલાં પૂંઠાના બોક્સમાંથી 192 દારૂની બોટલો મળી
આ બાતમીના આધારે પોલીસે તગડી ગામ પાસે આવેલા રેલવે ફાટક નજીક ગોઠવેલી વોચ દરમિયાન શંકાસ્પદ કારને અટકાવીને તપાસ કરી હતી. કારની પાછળની સીટમાં રાખેલાં પૂંઠાના બોક્સમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી 192 બોટલો મળી આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 1,08,912 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, 5,000 રૂપિયાનો એક મોબાઇલ ફોન અને 2,00,000 રૂપિયાની કિંમતની સ્વિફ્ટ કાર મળીને કુલ 3,13,912 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે આરોપી સાકીરહુસેન ઉર્ફે ભાણો આરિફભાઈ મેમણ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.








