વડોદરાના હાથીખાનામાં મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ; એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા, જાણો ઘટનાનું કારણ

વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા બડી મસ્જિદ પાસે એક મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ સર્જાયો છે. મળતી માહિતી અનુસાર, મકાનમાં અચાનક ગેસ સિલિન્ડર અને એસીનું આઉટડોર યુનિટ ફાટતા આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. આ ભયાનક બ્લાસ્ટની ચપેટમાં આવતા એક જ પરિવારના પાંચ જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ
પ્રાથમિક તપાસ મુજબ, ઘરમાં રહેલો ગેસનો બાટલો અને એસીનું આઉટડોર યુનિટ અચાનક બ્લાસ્ટ થયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં ઘરમાં હાજર એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝી ગયેલા લોકોમાં વસીમ ફિરોઝ મલેક, તઇજા વસીમ મલેક, મહેમુદા ફિરોઝ મલેક, શહેનાજ મલેક અને રૂબીના મલેકનો સમાવેશ થાય છે. ઘટના બનતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
અન્ય પાંચ જેટલા મકાનોને નુકસાન
બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે સમગ્ર વિસ્તારમાં ધ્રુજારી અનુભવાઈ હતી અને આસપાસના અન્ય પાંચ જેટલા મકાનોની દીવાલો તેમજ બારી-બારણાંને મોટું નુકસાન પહોંચ્યું છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે, જ્યારે પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






