Sabarkantha/ પ્રેમ લગ્નનો વિવાદ વકર્યો! વડાલી પાલિકામાં ભાજપના 8 કોર્પોરેટરો આપશે રાજીનામું
સાબરકાંઠા જિલ્લાની ભાજપ શાસિત વડાલી નગરપાલિકામાં પ્રેમ લગ્નને લઈને શ

સાબરકાંઠા જિલ્લાની ભાજપ શાસિત વડાલી નગરપાલિકામાં પ્રેમ લગ્નને લઈને શરૂ થયેલો રાજપૂત અને સગર સમાજ વચ્ચેનો વિવાદ હવે રાજકારણમાં મોટો ભડકો કરી રહ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, વડાલી પાલિકામાં સગર સમાજના ૮ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી રાજીનામું આપશે.
સમાજ વચ્ચેના વિવાદની રાજકીય અસર
વડાલીમાં પ્રેમ લગ્નના મામલે રાજપૂત અને સગર સમાજ વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો છે. આ વિવાદના પગલે બે સમાજો વચ્ચે ધીંગાણું પણ થયું હતું, જેના કારણે હાલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ ઘટના બાદ સગર સમાજના 41 વ્યક્તિઓ સામે નામજોગ સહિત 400 ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આના વિરોધમાં અને સમાજની એકતા જાળવવા માટે સગર સમાજની આગેવાનીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પાલિકામાં શાસન છોડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
ભાજપને મોટું નુકસાન થવાની શક્યતા
વડાલી નગરપાલિકામાં કુલ 6 વોર્ડ આવેલા છે, જેમાં કુલ 24 કોર્પોરેટરો છે. હાલમાં ભાજપ પાસે 20 અને કોંગ્રેસ પાસે 4 કોર્પોરેટરો છે. વડાલી પાલિકા વિસ્તારમાં સગર સમાજના મતદારોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
જો સગર સમાજના 8 કોર્પોરેટરો પાર્ટી સાથે અને શાસનમાંથી રાજીનામું આપશે, તો વડાલી નગરપાલિકામાં ભાજપને મોટું નુકસાન થઈ શકે છે.
2026 માં પાલિકાની ચૂંટણી
વડાલી પાલિકાની વર્તમાન ટર્મ ફેબ્રુઆરી 2026 માં પૂર્ણ થઈ રહી છે. પાંચ વર્ષ પૂર્ણ થતા વર્ષ 2026 માં વડાલી પાલિકામાં ચૂંટણી યોજાશે. ત્યારે આ પહેલાં જ રાજકીય ગરમાવો વધી જતાં આવનારી ચૂંટણીના સમીકરણો પર પણ તેની અસર જોવા મળી શકે છે.







