Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Proud day: A baby Ghorad was born after a decade in the Ghasiya plains of Kutch

ગૌરવશાળી દિવસ: કચ્છના ઘાસિયા મેદાનમાં એક દાયકા બાદ થયો ઘોરાડના બચ્ચાનો જન્મ

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાત માટે આજે એક ગૌરવશાળી અને ઐતિહાસિક દિવસ છે. કચ્છના અબડાસા (નલિયા) વિસ્તારના ઘાસિયા મેદાનમાં છેલ્લા એક દાયકા બાદ અત્યંત દુર્લભ એવા 'ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' (ઘોરાડ) ના બચ્ચાનો જન્મ થયો છે. આ સફળતા પાછળ વૈજ્ઞાનિક અભિગમ અને બે રાજ્યોના વન વિભાગનું અવિરત 19 કલાકનું ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’ જવાબદાર છે. આ અંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ સત્તાવાર જાહેરાત કરી છે.

App Store

શું છે 'જમ્પસ્ટાર્ટ એપ્રોચ' અને કેવી રીતે મળી સફળતા?

કચ્છમાં ઘોરાડની સંખ્યામાં નર પક્ષીઓની ગેરહાજરી એક મોટો પડકાર હતો. અહીંની માદા ઘોરાડ ઈંડા તો મૂકતી હતી, પરંતુ નર વગર તે અફલિત રહેતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે 'જમ્પસ્ટાર્ટ એપ્રોચ' નામની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી.

કેવી રીતે પાર પડાયું સમગ્ર ઓપરેશન?

રાજસ્થાનના જેસલમેર (સેમ) ખાતેના બ્રીડિંગ સેન્ટરમાંથી એક ફલિત ઈંડું પસંદ કરવામાં આવ્યું. આ ઈંડાને ખાસ પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં રાખીને સતત 19 કલાક સુધી રોડ માર્ગે 770 કિમીની મુસાફરી કરાવી સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. 22 માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને હટાવી તેની જગ્યાએ રાજસ્થાનથી લાવેલું ફલિત ઈંડું મૂકવામાં આવ્યું. માદા ઘોરાડે આ નવા ઈંડાને પોતાનું માનીને સેવ્યું અને 26 માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો.

લુપ્ત થતી પ્રજાતિના બચાવ માટે એક નિર્ણાયક પગલું

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે તેમના સત્તાવાર X હેન્ડલ પર માહિતી શેર કરી હતી. તેમણે લખ્યું કે, "કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય, ગુજરાત-રાજસ્થાન વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)ના સંયુક્ત પ્રયાસોથી આ સફળતા મળી છે." તેમણે આ પ્રોજેક્ટને લુપ્ત થતી પ્રજાતિના બચાવ માટે એક નિર્ણાયક કદમ ગણાવ્યો હતો.

પ્રોજેક્ટ GIBની મોટી સફળતા

વર્ષ 2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરવામાં આવેલા વિઝન બાદ 2016માં 'પ્રોજેક્ટ GIB' શરૂ થયો હતો. આ પ્રોજેક્ટ હેઠળ રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરોમાં ઘોરાડની સંખ્યા વધીને હવે 73 સુધી પહોંચી છે, જેનો લાભ હવે ગુજરાતને મળવાનું શરૂ થયું છે.

હાલમાં વન વિભાગની ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને તેના બચ્ચાનું 24 કલાક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વન્યજીવ પ્રેમીઓ માટે આ એક આશાસ્પદ સમાચાર છે કારણ કે એક દાયકા બાદ કચ્છમાં ફરી ઘોરાડની વંશવેલો આગળ વધી છે.