અમદાવાદના રસ્તા પર અકસ્માતનો સિલસિલો યથાવત્; પાલડીમાં યુવક અને શીલજમાં નોકરીએ જતી યુવતીનું મોત

અમદાવાદના રસ્તા પર અકસ્માતનો સિલસિલો યથાવત્; પાલડીમાં યુવક અને શીલજમાં નોકરીએ જતી યુવતીનું મોત
તસવીર: AI
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં હિટ એન્ડ રનની 2 ઘટનામાં યુવક અને યુવતીનું મોત નીપજ્યું છે. જેમાં પાલડી વિસ્તારમાં પૂરઝડપે દોડતી કારની ટક્કરે SVP હોસ્પિટલના 21 વર્ષીય ફાયરકર્મીનું કરૂણ મોત નીપજ્યું હતુ. જ્યારે બીજી ઘટનામાં એસ.પી. રિંગ રોડ પર શીલજ નજીક ટ્રકે અડફેટે લેતાં નોકરીએ જઈ રહેલી 23 વર્ષીય મોપેડચાલક યુવતીનો ભોગ લીધો હતો. પોલીસે બંને અકસ્માતના બનાવ અંગે ગુનો નોંધીને ફરાર ચાલકોની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.

બેફામ દોડતી કારે યુવકનો લીધો જીવ!

જાહેરાત

પાલડી સ્થિત કોચરબ ગામ પાસે એક પૂરઝડપે આવી રહેલી કારે 21 વર્ષીય યુવકને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. મૃતક યુવક શહેરની સરદાર વલ્લભભાઈ પટેલ(SVP) હોસ્પિટલના ફાયર વિભાગમાં ફરજ બજાવતો હતો. અકસ્માત સર્જીને કારચાલક ઈજાગ્રસ્ત યુવકની મદદ કરવા રોકાયા વગર ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતની ઘટના 2 નવેમ્બર 2026ના રોજ સોમવારે બપોરે 4 વાગ્યા આસપાસ બની હતી. જેમાં કોચરબ ગામમાં આવેલી સફળ વિદ્યાલયની બહારના રોડ પરથી પસાર થઈ રહેલા કાળા રંગની કારે યુવકને જોરદાર ટક્કર મારતા મોત નીપજ્યું હતું. મૃતક યુવક મહીસાગરના મોટી સરસણ ગામનો હોવાનું જણાય છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિજનો તાત્કાલિક અમદાવાદ દોડી આવ્યા હતા.

ફરિયાદ અનુસાર, અકસ્માત સમયે કારમાં યુવતી હાજર હતી અને અન્ય યુવક વાહન ચલાવી રહ્યો હતો. હિટ એન્ડ રનના ગુનામાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે રાહુલ ઠાકોર નામના કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

એસ.પી. રિંગ રોડ પર શીલજ નજીક ટ્રકની અડફેટે મોપેડચાલક યુવતીનુ મોત

એસ.પી. રિંગ રોડ પર શીલજ નજીક ટ્રકની અડફેટમાં મોપેડચાલક યુવતીનું મોત નીપજ્યું હતું. 3 નવેમ્બરના રોજ બપોરે રૂપાલી શૈલેષભાઈ સલારીયા(ઉં.વ. 23) પોતાના મોપેડ પર નોકરીએ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. મૃતકના મોટા ભાઈ જેમીનભાઈ સલારીયાએ હિટ એન્ડ રનની ઘટના અંગે એ વિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી લેબોરેટરીમાં રૂપાલી કામ કરતી હતી અને છેલ્લા ત્રણ મહિનાથી તે મંગેતર રવિના ઘરે રહેતી હતી. સમગ્ર મામલે પોલીસ મૃતકના મોટાભાઈની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત