દીકરીની કસ્ટડી માતા પાસે હોય તો તેને ગેરકાયદે ન ગણાવી શકાય: ગુજરાત હાઈકોર્ટ

દીકરીની કસ્ટડી માતા પાસે હોય તો તેને ગેરકાયદે ન ગણાવી શકાય: ગુજરાત હાઈકોર્ટ
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

ગુજરાત હાઈકોર્ટે સગીર દીકરીની કસ્ટડી મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં પિતાની હેબિયસ કોર્પસ અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે અવલોકન કર્યું કે કુદરતી વાલી તરીકે માતા પાસે બાળકની કસ્ટડી હોય તો તેને સામાન્ય રીતે ગેરકાયદે કસ્ટડી ગણી શકાય નહીં.

આ કેસમાં પતિ-પત્ની વચ્ચે વૈવાહિક વિવાદને પગલે બંને અલગ રહેતા હતા. દંપતીની બે દીકરીઓ પૈકી મોટી દીકરી પિતા પાસે અને નાની દીકરી માતા પાસે રહેતી હતી. દરમિયાન સેશન્સ કોર્ટે મોટી દીકરીની સાત દિવસની વચગાળાની કસ્ટડી માતાને સોંપવાનો આદેશ કર્યો હતો. જોકે, સમયગાળો પૂર્ણ થયા બાદ માતાએ દીકરીને પિતા પાસે પરત ન સોંપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

જાહેરાત

આથી પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ચેમ્બરમાં દીકરી સાથે વાતચીત કરી હતી. દીકરીએ માતા સાથે ખુશ હોવાનું અને પિતા સાથે રહેવાની અનિચ્છા વ્યક્ત કરી હતી.

હાઈકોર્ટે નોંધ્યું કે દીકરીની કાયમી કસ્ટડીનો મુદ્દો ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે. કસ્ટડીના વિવાદનો નિર્ણય હેબિયસ કોર્પસ દ્વારા કરી શકાય નહીં. બંને પક્ષોને સંબંધિત કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવાની છૂટ આપીને પિતાની અરજી ફગાવી દીધી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત