મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકામાં ગુજરાતી વેપારીની કરપીણ હત્યા, 19 વર્ષની દીકરીની આંખો સામે પિતાને ગોળી મારી

અમેરિકાના (US) ટેનેસી રાજ્યના જેક્સન શહેરમાં ગુજરાતી મૂળના એ

અમેરિકામાં ગુજરાતી વેપારીની કરપીણ હત્યા, 19 વર્ષની દીકરીની આંખો સામે પિતાને ગોળી મારી
આ સમાચાર સાંભળો

અમેરિકાના (US) ટેનેસી રાજ્યના જેક્સન શહેરમાં ગુજરાતી મૂળના એક વેપારીની સશસ્ત્ર લૂંટ (Armed Robbery) દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવતા ભારતીય સમુદાયમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ 62 વર્ષીય સુરેશ પટેલ તરીકે થઈ છે. તેઓ મૂળ ગુજરાતના મહેસાણા (Mehsana) જિલ્લાના રહેવાસી હતા. ઘટનાની સૌથી કરુણ બાબત એ છે કે સુરેશ પટેલની 19 વર્ષની દીકરી પણ ઘટનાસ્થળે હાજર હતી અને તેની આંખો સામે જ તેના પિતાને ગોળી મારી દેવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે રાત્રે આશરે 9 વાગ્યે જેક્સન સ્થિત Ridgecrest Cellars Wine and Spirits નામની દુકાનમાં બની હતી. સુરેશ પટેલે આ સ્ટોરની માલિકી (Ownership) ઘટનાના માત્ર ત્રણ દિવસ પહેલાં જ સંભાળી હતી. તેઓ નવા વ્યવસાયની શરૂઆત કરી રહ્યા હતા, પરંતુ થોડા જ દિવસોમાં તેમના જીવનનો કરુણ અંત આવ્યો.

માસ્ક પહેરીને દુકાનમાં ઘૂસ્યો હુમલાખોર

સ્થાનિક મીડિયા (Local Media) અનુસાર, એક માસ્ક પહેરેલો શખ્સ દુકાનમાં પ્રવેશ્યો હતો. તેણે બંદૂક બતાવીને કર્મચારીઓ પાસેથી રોકડ રકમ (Cash) માગી હતી. લૂંટારુને પૈસા મળી ગયા બાદ પણ તેણે ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન અનેક ગોળીઓ ચલાવવામાં આવી અને એક ગોળી સુરેશ પટેલને વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ પહોંચે તે પહેલાં જ તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું.

હુમલાખોરની સમગ્ર હરકત દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે તેના વર્ણન મુજબ તે ગ્રે રંગની હૂડી (Grey Hoodie), જીન્સ અને કાળા વર્ક બૂટ પહેરેલો હતો. તેના ચહેરા પર પેન્ટબોલ પ્રકારનું માસ્ક (Paintball-style Mask) હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ તે સફેદ રંગની કારમાં ફરાર થઈ ગયો હતો.

પોલીસે શરૂ કરી તપાસ, આરોપી હજુ ફરાર

જેક્સન પોલીસ વિભાગે (Jackson Police Department) આરોપીની શોધખોળ માટે મેનહન્ટ (Manhunt) શરૂ કરી છે. પોલીસે લોકોને આરોપીથી સાવચેત રહેવાની અપીલ કરી છે, કારણ કે તે સશસ્ત્ર (Armed) અને જોખમી (Dangerous) હોઈ શકે છે. કોઈપણ વ્યક્તિ પાસે ઘટનાને લગતી માહિતી હોય તો પોલીસ અથવા ક્રાઈમ સ્ટોપર્સનો સંપર્ક કરવા જણાવાયું છે.

સ્થાનિક અહેવાલ મુજબ, ઘટનામાં દુકાનમાં કામ કરતી 70 વર્ષીય મહિલા કર્મચારી પણ પડી જતાં તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું.

સુરેશ પટેલની હત્યાએ અમેરિકામાં રહેતા ગુજરાતી વેપારી સમુદાયની સુરક્ષા અંગે ફરી ચિંતા ઊભી કરી છે. અગાઉ પણ ટેનેસી અને અન્ય અમેરિકન રાજ્યોમાં ગુજરાતી મૂળના વેપારીઓ લૂંટ દરમિયાન હિંસાનો ભોગ બન્યા છે. સુરેશ પટેલના પરિવાર માટે સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે તેમની 19 વર્ષની દીકરીએ પોતાની આંખો સામે પિતાને ગુમાવ્યા.

આ સમાચાર શેર કરો