મુખ્ય સામગ્રી પર જાઓ

દિવાળી પહેલા સિંગતેલના ડબાનો ભાવ રૂ.3050 ની ટોચે, સરકાર તેલ લોબી સામે લાચાર?

દિવાળી પહેલા સિંગતેલના ડબાનો ભાવ રૂ.3050 ની ટોચે,  સરકાર તેલ લોબી સામે લાચાર?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

: ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર પહોંચ્યું હોવા છતાં રાજ્યના લોકોને સિંગતેલ મોંઘા ભાવે ખરીદવાની ફરજ પડી રહી છે. દિવાળીના તહેવારો દરમિયાન ખાદ્યતેલની માંગ વધતાં સિંગતેલના ભાવમાં વધુ 30 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ ત્રણ વર્ષ બાદ વધીને 3,050 રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યો છે. બીજી તરફ, કપાસિયા અને પામતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

અન્ય તેલના ભાવ ઘટ્યા, સિંગતેલ મોંઘું થયું

જાહેરાત

ખાદ્યતેલના બજારમાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે, જ્યારે અન્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અગાઉ 2,590થી 2,650 રૂપિયા હતો, જે ઘટીને હવે 2,580થી 2,630 રૂપિયા થયો છે. આમ, કપાસિયા તેલના ભાવમાં આશરે 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. પામતેલના ડબ્બાના ભાવમાં પણ 15 રૂપિયાનો ઘટાડો થયો છે. સૂર્યમુખી તેલ સહિત અન્ય તેલના ભાવ સ્થિર રહ્યા છે.

દેશમાં મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનો 45થી 50 ટકા ફાળો

ગુજરાતમાં વર્ષે સરેરાશ 50થી 51 લાખ ટન મગફળીનું ઉત્પાદન થાય છે, જ્યારે દેશમાં ઉત્પાદનનો આંકડો આશરે 125 લાખ ટન છે. આમ, દેશના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 45થી 50 ટકા જેટલો છે. આ સ્થિતિમાં રાજ્યમાં જ મગફળીમાંથી બનતા સિંગતેલના ભાવમાં સતત વધારો થતાં ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધી રહ્યો છે.

50.33 લાખ ટન મગફળીનું ઉત્પાદનની શક્યતા

ચાલુ વર્ષે ચોમાસું આંશિક નબળું રહ્યું હોવા છતાં ગુજરાતમાં મગફળીનો ખરીફ પાક સામાન્ય રહ્યો છે. કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે, આ વર્ષે રાજ્યમાં આશરે 50.33 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શક્યતા છે. તેની સરખામણીએ વર્ષ 2022-23 અને 2023-24માં મગફળીનું ઉત્પાદન આશરે 45 લાખ ટન રહ્યું હતું. બીજી તરફ, વિવિધ યાર્ડમાં મગફળીની આવક પણ ચાલુ છે.

ગયા વર્ષ કરતાં 25થી 30 ટકા વધુ ભાવ

મગફળીના ઉત્પાદનમાં વધારો અને બજારમાં તેની આવક ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવ ઊંચા રહેતાં સવાલો ઊભા થયા છે. ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળે અને ગ્રાહકોને સિંગતેલ વાજબી ભાવે ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારી તંત્રની છે. જોકે, હાલની સ્થિતિમાં ગ્રાહકોને સિંગતેલ માટે ગયા વર્ષની સરખામણીએ 25થી 30 ટકા વધુ ભાવ ચૂકવવા પડી રહ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન માંગ વધવાની સ્થિતિમાં ભાવમાં થયેલા વધારાથી સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર પણ અસર પડી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત