સરકારી સંસ્થા-સ્કૂલોને બોમ્બ ધમકી કેસમાં બાંગ્લાદેશ કનેક્શન ખૂલ્યું, બે આરોપીઓ પકડાયા

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને મોટી સફળતા મળી છે. તપાસ દરમિયાન બાંગ્લાદેશ કનેક્શન ધરાવતા બોમ્બ થ્રેટ ઈ-મેઈલ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. આ મામલે ગુજરાત, બિહાર અને ઝારખંડમાં એકસાથે ઓપરેશન હાથ ધરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
બે આરોપીઓ પકડાયા
તપાસ મુજબ, 10 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી કાર્યાલય, સરકારી કચેરીઓ, શાળા-કોલેજો અને અદાલતોને પણ ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. BRICS શિખર સંમેલન દરમિયાન ભારતને સહકાર આપતા વિવિધ દેશોને પણ ધમકી આપવામાં આવી હતી. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર રોશન કુમારની બિહારના ભાગલપુરથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ સપ્લાય કરનાર મુખ્ય આરોપી ગુલશન કુમારને ઝારખંડના દેવઘરથી ઝડપી પાડવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાંથી નાણાકીય સહાય મળતી હોવાની આશંકા
પોલીસને આરોપીઓ પાસેથી 5,13,847 યુનિક ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડનું લિસ્ટ મળ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ઈ-મેઈલ એકાઉન્ટ્સ અને પાસવર્ડ્સનો ઉપયોગ સરકારી કચેરીઓ, શાળા-કોલેજો અને અદાલતોને ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવા માટે કરવામાં આવતો હતો. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ સમગ્ર નેટવર્કને બાંગ્લાદેશમાંથી નાણાકીય સહાય મળતી હોવાની આશંકા છે અને ક્રિપ્ટો વોલેટ્સ મારફતે ફંડિંગ કરવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે. મુખ્ય આરોપી ગુલશન કુમાર બાંગ્લાદેશના દેશવિરોધી તત્વોના સંપર્કમાં હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી છે.
14 હજારથી વધુ ધમકીભર્યા ઈ-મેઈલ મોકલ્યા
આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે VPN સહિતની ટેક્નિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા. બોમ્બની ધમકી સાથેની શીટ મોકલવાનું કામ ગુલશન કુમાર કરતો હતો, જ્યારે ભાગલપુરના રોશન કુમારની મુખ્ય ભૂમિકા સમગ્ર પ્રવૃત્તિનું મોનિટરિંગ કરવાની હોવાનું સામે આવ્યું છે. 10 સપ્ટેમ્બરે વિધાનસભાને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલમાં પણ રોશનની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ વર્ષ 2022થી ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. ખાસ કરીને છેલ્લા 3થી 4 દિવસમાં જ 14 હજારથી વધુ ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
હવે પોલીસ દ્વારા દેશભરમાં મોકલવામાં આવેલા 5 લાખથી વધુ ધમકીભર્યા ઈ-મેઈલની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓએ ક્યાં-ક્યાં અને કોને ઈ-મેઈલ મોકલ્યા હતા, તેની પણ તપાસ ચાલી રહી છે.

