ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ: ગુજરાતમાં હવે મોલ, કાફે અને રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લા રાખી શકાશે

ગુજરાત વિધાનસભા ગૃહમાં 'ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ-2026' બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે, ત્યારે હવે ગુજરાતમાં મોલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરેને 24x7 ખુલ્લા રાખી શકાશે. રાજ્યમાં ઉદ્યોગો અને વ્યવસાયો માટે કાયદાકીય પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાના હેતુથી આ વિધેયક લાવવામાં આવ્યું છે. ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે ગૃહમાં આ બિલ અંગેની વિગતો રજૂ કરી હતી. આ વિધેયક હેઠળ રાજ્યના 5 અલગ-અલગ કાયદાઓની 12 કલમોમાં સુધારા કરવામાં આવ્યા છે.
બિલ હેઠળ કરાયેલા મુખ્ય કાયદાકીય સુધારા
દુકાનો 24x7 ખુલ્લી રહેશે (શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ): રજિસ્ટ્રેશન માટે સેલ્ફ-ડિક્લેરેશન (સ્વ-પ્રમાણીકરણ) ની નીતિ અપનાવાશે. નિયમો અને શરતોને આધીન રહીને દુકાનો અને વેપારી સંસ્થાઓ અઠવાડિયાના કોઈ પણ દિવસે 24 કલાક (24x7) ચાલુ રાખી શકાશે.
ફાયર સેફ્ટી નિયમોમાં સુધારો (ફાયર પ્રિવેન્શન એક્ટ): ફાયર સેફ્ટીના ધોરણોને બિલ્ડિંગના પ્રકાર અને જોખમ આધારિત બનાવવામાં આવ્યા છે, જેથી બિનજરૂરી કમ્પ્લાયન્સ ખર્ચ ઘટશે.
MSME માટે સરળ નિયમો (MSME ફેસિલિટેશન એક્ટ): સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 'રાઇટ ટુ બિઝનેસ'નું માળખું મજબૂત કરાશે. વીજળી, જીઆઈડીસી, સહકારી અને સિંચાઈ જેવા વધુ 8 કાયદાઓને આ ફેસિલિટેશન ફ્રેમવર્ક સાથે જોડવામાં આવ્યા છે.
ડૉક્ટર્સની નોંધણી સરળ બનશે (મેડિકલ કાઉન્સિલ એક્ટ): અન્ય રાજ્યોમાં નોંધાયેલા તબીબો ગુજરાતમાં સેલ્ફ-ડિક્લેરેશનના આધારે ઝડપથી રજિસ્ટ્રેશન મેળવી શકશે.
સરકારી સેવાઓમાં ઓટો-અપીલ (રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસિસ એક્ટ): નિયત સમયમર્યાદામાં સરકારી સેવા કે ફરિયાદનો નિકાલ નહીં થાય, તો ટેકનોલોજીની મદદથી મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ 'ઓટો-અપીલ' થઈ જશે.
ઉદ્યોગ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બિનજરૂરી કાયદાકીય જટિલતાઓ દૂર કરીને અને પરવાનગીની પ્રક્રિયામાં ભૌતિક સંપર્ક ઘટાડીને ટેકનોલોજી આધારિત શાસન પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સુધારાઓથી રાજ્યમાં રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી થશે.

