'મોંઢે આવેલો કોળિયો છીનવાયો': માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી, રાહત પેકેજ માટે CM ને રજૂઆત
રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. નવા વર્ષ
રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. નવા વર્ષના ઉલ્લાસનો સમય ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે. મગફળી, કપાસ, ડાંગર, સોયાબીન અને મરચી જેવા તૈયાર પાકોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના મોંઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે હવે ખેડૂતોએ સરકાર પાસે ન્યાય અને સહાય માટેની માંગણીઓ ઉગ્ર બનાવી છે.
સાંસદ રામ મોકરિયાએ CM ને લખ્યો પત્ર
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ખેડૂતોની વ્હારે આવતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે, કારણ કે તૈયાર પાક પલળી જવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
સૌરાષ્ટ્રમાં ખેડૂતોની ચિંતા વધી
સુરેન્દ્રનગર: માવઠાથી વ્યાપક નુકસાન થતાં ખેડૂતો હવે સરકાર પર મીટ માંડીને બેઠા છે. ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખીને તમામ પાક ધિરાણ માફ કરવા અને સહાયરૂપી નુકસાન ચૂકવવા માંગ કરી છે.
ધોરાજી: જિલ્લા સહકારી આગેવાન અને ખેડૂત જે. ડી. બાલધાએ કમોસમી વરસાદને 'પડ્યા ઉપર પાટુ' સમાન ગણાવ્યો છે. તેમણે તાત્કાલિક સર્વે કરીને વળતર આપવા માંગ કરી છે. જોકે, તેમણે આક્ષેપ કર્યો કે ગત વર્ષે પણ આ વિસ્તારના ખેડૂતોને સર્વે બાદ સહાય ચૂકવાઈ નથી.
જૂનાગઢ (મેંદરડા, માળીયા, માંગરોળ, વિસાવદર): મગફળી અને સોયાબીનના પાકનું ધોવાણ થયું છે. અગાઉના સર્વેની સહાય પણ હજુ બાકી છે, ત્યારે હવે મંત્રીઓની મુલાકાત બાદ ફરી ક્યારે સર્વે થશે અને સહાય મળશે તેવા સવાલો ખેડૂતોમાં ઉભા થયા છે. જૂનાગઢના માંગરોળમાં તો ખેડૂતોએ રાહત સહાય નહીં, પરંતુ દેવું માફ કરવાની માંગ સાથે એકઠા થયા હતા.
પાલીતાણા (ભાવનગર): તાલુકાના ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને કપાસ અને મગફળીમાં થયેલા નુકસાનનો સર્વે કરાવી સહાય આપવાની માંગ કરી છે.
મધ્ય ગુજરાતમાં પણ ભારે નુકસાન
ડભોઈ (વડોદરા): ડાંગર, મરચી અને કપાસ સહિતના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે રાજ્ય સરકાર અન્ય જિલ્લાઓને સહાય આપે છે, પરંતુ વડોદરા જિલ્લાને હંમેશા બાકાત રાખવામાં આવે છે. ખેડૂતોએ ડાંગરની ખરીદી MSPના ભાવે કરવા અને તાત્કાલિક સર્વેની માંગ કરી છે.
પંચમહાલ (ગોધરા, ઓરવાડા, પરવડી): ડાંગર સહિતના પાકને મોટાપાયે નુકsસાન થતા ધરતીપુત્રો રડી પડ્યા છે. ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ છે. સ્થાનિક ધારાસભ્ય સી.કે. રાઉલજી અને સાંસદ રાજપાલ જાદવ દ્વારા પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
પાટણ : પાટણ પંથકમાં એરંડા, કપાસ, ઘાસચારો અને બાજરી જેવા પાકો નિષ્ફળ ગયા છે. શાકભાજીમાં પણ રીંગણ અને ફુલેવરના પાકને મોટું નુકસાન થયું છે.
ખેડૂત મનોરભાઈ પટેલના જણાવ્યા અનુસાર, બાજરીનો પાક નિષ્ફળ જતાં એક વીઘે પાંચ હજારનું નુકસાન થયું છે. અન્ય ખેડૂતએ જણાવ્યું કે ફુલેવરનું વાવેતર નિષ્ફળ જવાની શક્યતા છે. જો આ વાતાવરણ હજુ ચાલુ રહેશે તો ખેતી બરબાદ થઈ શકે છે અને શિયાળુ પાકને પણ અસર થશે. 'જગતનો તાત' આ આસમાની સુલતાની આફતથી ચિંતિત બન્યો છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ
- તાત્કાલિક અસરથી પાક નુકસાનનો તટસ્થ સર્વે કરવો
- ત્વરિત રાહત પેકેજ જાહેર કરવું અને વળતર ચૂકવવું
- તમામ પાક ધિરાણ માફ કરવામાં આવે
- અગાઉના બાકી રહેલા સર્વેની સહાય વહેલી તકે ચૂકવવી






