મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: માવઠાથી પાયમાલ ખેડૂતોને સહાય અને.. , અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં સરકાર સામે કરી આક્રમક માંગણીઓ

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં કમ

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં કમોસમી વરસાદ અને તેના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અંગે સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 'એક દિવસ, એક શહેર/જિલ્લો'ના કાર્યક્રમ હેઠળ જન આક્રોશ સભાઓનું આયોજન કરવામાં આવશે.

ચાવડાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં માવઠું પડી રહ્યું છે, જેના કારણે જગતના તાતની સ્થિતિ દયનીય બની છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે અને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. માવઠા અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે, પરંતુ સરકારનું વલણ સહાનુભૂતિપૂર્ણ નથી.

કોંગ્રેસની સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ:

વિપક્ષ નેતા અમિત ચાવડાએ ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં લેવા માટે સરકાર સમક્ષ નીચે મુજબની માંગણીઓ રજૂ કરી:

  • ખેડૂતોને થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને આર્થિક મદદરૂપ થવા માટે સ્પેશ્યલ પેકેજ જાહેર કરવામાં આવે.
  • સરકારે તાત્કાલિક પાક વીમા યોજનાની જાહેરાત કરવી જોઈએ.
  • ખેડૂતો આર્થિક નુકસાનને કારણે બેન્ક ધિરાણ ભરી શકે તેમ ન હોવાથી, તેમના ધિરાણ માફ કરવામાં આવે.
  • સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે જાહેરાત કરી છે, પરંતુ માત્ર 70 મણની ખરીદી મર્યાદા રાખી છે. 9 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં 70 મણની ખરીદીથી ખેડૂતોની અન્ય મગફળી ક્યાં વેંચવી તે મોટો પ્રશ્ન છે. કોંગ્રેસની માંગ છે કે 70 મણની જગ્યાએ 300 મણ મગફળીની ખરીદી કરવામાં આવે.
  • જમીન ધોવાણ માટેનું વળતર તાત્કાલિક જાહેર કરવામાં આવે.
  • ઓપન માર્કેટ (યાર્ડ)માં ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળતા નથી અને વચેટિયા તથા દલાલો કમિશન વસૂલે છે, તેના પર અંકુશ લાવવામાં આવે.

ઉગ્ર આંદોલનની ચીમકી

અમિત ચાવડાએ અંતમાં ચેતવણી આપતા જણાવ્યું કે કોંગ્રેસ ખેડૂતોના હક્ક માટે ખેડૂત આંદોલન કરશે. તેમણે જાહેરાત કરી કે બોટાદ ખાતે ખેડૂત સંમેલન બોલાવવામાં આવ્યું છે અને જો સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો એક પણ મંત્રીને ગામડામાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે.

આ સમાચાર શેર કરો