મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: 'ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય', ગુજરાતના નવા મંત્રીમંડળ પર અમિત ચાવડાના આકરા પ્રહાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ આકરા પ્રહારો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ આકરા પ્રહારો કર્યા છે. જોકે તેમણે નવા મંત્રીમંડળને ઔપચારિક રીતે શુભકામના પાઠવી હતી, પરંતુ ભાજપ સરકારના અઢી વર્ષના શાસનકાળની નીતિઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

અઢી વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર સામે સવાલ

કોંગ્રેસ અધ્યક્ષે રાજ્ય સરકાર પર આકરા આક્ષેપો કરતાં કહ્યું કે પાંચ વર્ષના શાસન માટે રચાયેલા મંત્રીમંડળને અઢી વર્ષે જ બદલવું પડ્યું, જે દર્શાવે છે કે આ ટીમ ફેલ ગઈ હતી. ચાવડાએ આક્ષેપ કર્યો કે સરકાર 'પોલિસી પેરાલિસિસ' થી પીડિત છે અને રાજ્યમાં ચારેય તરફ ભ્રષ્ટાચાર થયો છે.

તેમણે કહ્યું કે અઢી વર્ષના શાસનકાળમાં 9 કેબિનેટ અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા, જેમાંથી 50 ટકા મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે. તેમણે આ પૈકી કેટલાક મંત્રીઓ ભ્રષ્ટાચારી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

પાપ નહીં ધોવાય:

ચાવડાએ સીધો આક્ષેપ કર્યો કે "ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય." તેમણે સવાલ ઉઠાવ્યો કે સરકારે ભ્રષ્ટ મંત્રીઓ સામે પગલાં કેમ ના લીધા અને ભ્રષ્ટાચારથી ખદબદતા મંત્રીઓને અઢી વર્ષ સુધી કેમ ચલાવ્યા?

'ઉત્સવ, તાયફા અને ગેંગ વોરમાં શાસન ગયું'

કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો કે ગત અઢી વર્ષનો શાસનકાળ ઉત્સવ, તાયફા અને ગેંગ વોરમાં ગયો છે. તેમણે 'વિકાસ સપ્તાહ' દરમિયાન ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાનો બેફામ ઉપયોગ કર્યાનો આક્ષેપ કર્યો. અમિત ચાવડાએ મંત્રીમંડળના ફેરફાર માટે કેપ્ટન (મુખ્યમંત્રી) અને ભાજપના હાઇકમાન્ડ પર નિશાન સાધ્યું.

તેમણે કહ્યું કે ટીમ ફેલ હોય તો તેની જવાબદારી કેપ્ટનની ગણાય.  તેમણે આગાહી કરતા કહ્યું કે બિહારની ચૂંટણી પછી ગુજરાતના કેપ્ટન પણ બદલાશે.

તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હીના રિમોટથી સરકાર ચાલે છે, જેથી સમાજમાં મોટા નામ ધરાવતા નેતાઓને મંત્રીપદથી સાઇડલાઇન કરવામાં આવ્યા છે, અને 'કહ્યાગરા' નેતાઓને જ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જેનાથી અનેકની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો