પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કોંગ્રેસની રેલી, અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર
પાર તાપી નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ મુદ્દે આદિવાસીઓ રીવર લીંક પ્રોજેક્ટ માટે એક ઈંચ જમીન આપવાના મતમાંથ

પાર તાપી નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ મુદ્દે આદિવાસીઓ રીવર લીંક પ્રોજેક્ટ માટે એક ઈંચ જમીન આપવાના મતમાંથી નથી. આદિવાસી વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે સરકારે એવી જાહેરાત કરી છેકે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી. કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. બીજી બાજું કોંગ્રેસે આજે ધરપુરમાં વિશાળ રેલી-સભાનું આયોજન કર્યું છે, ત્યારે સરકારે આ કાર્યક્રમને ફ્લોપ કરવા ષડયંત્ર રચ્યુ છે. આમ, પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે સરકાર-કોંગ્રેસ સામસામે આવ્યાં છે.
કોંગ્રેસે યોજી ભવ્ય રેલી-સભા
ગુરૂવારે (14 ઓગસ્ટ) કોંગ્રેસ અને અન્ય આદિવાસી સંગઠનો દ્વારા બિરસામુંડા સર્કલથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, પાર-તાપી પ્રોજેક્ટ રદ કરવાની વાત ફક્ત આદિવાસી સમાજને ગુમરાહ કરવા માટે છે. જ્યાં સુધી સરકાર શ્વેત પત્રમાં લખીને નહીં આપે કે, આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે, ત્યાં સુધી અમે પીછેહઠ નહીં કરીએ.
પાર-તાપી પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ
નોંધનીય છે કે, પાર-તાપી પ્રોજેક્ટ રદ કરવાના મુદ્દે આ ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે. આદિવાસી સંસ્થાઓની સાથે આદિવાસી સમાજ આ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે રસ્તે ઉતર્યા છે. આ સિવાય આ રેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી, ધવલ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે અને સરકાર વિરૂદ્ધ મોરચો માંડ્યો છે. રેલીમાં હાજર તમામ લોકો એક સૂરમાં પાર-તાપી પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.
અમિત ચાવડાએ શું કહ્યું?
આ વિરોધને લઈને અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી કે, પાર-તાપી પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો તે ફક્ત એક જુમલો છે અને ભોળી આદિવાસી પ્રજાને ભરમાવવામાં આવી રહી છે. આ સરકાર આદિવાસી સમાજને વિસ્થાપિત કરી આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા ઈચ્છે છે અને તેમનું જંગલ અને ઘર તેમની પાસેથી છીનવવા માંગે છે. આજે જ્યારે સમાજ તેમની તાનાશાહીની વિરૂદ્ધમાં રસ્તા પર ઉતર્યો ત્યારે આ સરકાર તેમને ગુમરાહ કરી રહી છે. મંત્રીઓ અને ભાજપના નેતાઓ બેબુનિયાદ રીતે વિગતો આપે છે, એકબાજુ ગુજરાત ભાજપના નેતાઓ અને મંત્રીઓ એવું કહે છે કે, આ પ્રોજેક્ટ રદ કરી દેવાયો છે. ત્યાં બીજી બાજું સંસદમાં ભાજપના જ મંત્રી દ્વારા જવાબ આપવામાં આવે છે કે, હાલ આ પ્રોજેક્ટને પ્રાયોરિટી લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે તેને રદ કરવામાં નથી આવ્યો. તેથી જ્યાં સુધી આ પ્રોજેક્ટ રદ નહીં થાય અમારી લડાઈ શરૂ રહેશે. જ્યાં સુધી સરકાર શ્વેત પત્રમાં લખીને નહીં આપે કે, પ્રોજેક્ટ રદ કરાયો છે, ત્યાં સુધી અમે પીછેહઠ નહીં કરીએ.






