Video: રાજ્યમાં માવઠાથી લાખો હેક્ટરમાં વાવેલા પાકનો સોથ વળી ગયો, જાણો કયા જિલ્લામાં કેટલું થયું નુકસાન
રાજ્યમાં દિવાળી બાદ પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના સ્થળોએ
રાજ્યમાં દિવાળી બાદ પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના સ્થળોએ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના ડાંગર સહિતનો તૈયાર પાકનો સોથ વળી ગયો છે. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લાખો હેકટરમાં તૈયાર પાકને ભારે નુકશાન થયું છે, ત્યારે આ નુકસાની સામે વળતર ચૂકવવા ખેડૂત આગેવાનો અને સંગઠનોની સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી છે. પાક નુકસાનીનું નિરીક્ષણ કરવા માટે સ્થાનિક ધારાસભ્યો અને નવનિયુક્ત મંત્રીઓ તેમના વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જુદા જુદા જિલ્લાઓમાં થયેલી નુકસાની નીચે મુજબ છે:
મોદી ખેડૂતો માટે વિશેષ પેકેજની જાહેરાત કરે તેવી આશા
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સમક્ષ માવઠાના કારણે નુકસાન ભોગવનાર ખેડૂતો માટે વળતરની માંગ કરી છે. વસાવાના જણાવ્યા મુજબ ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ સહિત મોટાભાગે પાકો માવઠાના કારણે નાશ પામ્યા છે. માવઠાના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. 30-31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવનાર પ્રધાનમંત્રી મોદી ખેડૂતો માટે વિશેષ પેકેજની જાહેરાત કરે તેવી આશા છે.
નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે ડાંગરને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. નવસારી જિલ્લામાં અંદાજે 36 હજાર હેક્ટર જમીનમાં ઊભો પાક પલળી જતા ખેડૂતોના મોંઢાનો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતે નવસારી જિલ્લાના અસરગ્રસ્ત ખેતરો તેમજ ખેડૂતોની મુલાકાત લઈ તેમની વ્યથા જાણી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રીના સમયે ધીમી ધારે વરસાદ વરસતા ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડાંગરનો પાક તૈયાર થતાં પાકની લલણીના સમયે જ કમોસમી વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ જતા ભારે નુકશાન થયું છે.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના બાવળા, ધોળકા સહિતના તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો ડાંગરનો ઉભો પાક આડો પડી જતા અને લણણી કરલા પાકના ઢગલા પણ પલળી જતા ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે.
નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલા માવઠાને કારણે 55000 હેક્ટરમાં વાવેતર થયેલા ડાંગરના પાકમાં મોટાભાગે નુકસાન થયું છે. કેટલાક ખેડૂતોએ ડાંગરની કાપણી કરી ખેતરમાં સુકવવા મૂક્યું હતુ તો કેટલાકે કાપવાનું બાકી હતું, તેવું ડાંગર પણ માવઠાને કારણે પલળી જતા નુકસાન થયું છે.
મહીસાગર જિલ્લામાં 40816 હેક્ટર માં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. પણ માવઠું પડતાં મકાઈ,દિવેલા તેમજ ડાંગર સહિત મગફળીના પાકને ભારે નુકશાન થતાં ખેડૂતો પાયમાલ બન્યા છે.
તાપી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, સોનગઢ તાલુકાના ટોકરવા ગામે મંત્રી નરેશ પટેલ અને ડો. જયરામ ગામીતએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં તાપી સેવાસદન ખાતે પહોંચી જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી નુકશાની અંગેનો તાગ મેળવ્યો હતો.
બોટાદ જિલ્લામાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. બોટાદ જિલ્લામાં આ વર્ષે મોટાભાગના ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું હતું. વાવેતર સમયે જ માવઠું પડતાં ધરતીપુત્રોને નુકશાન થયું છે. ખેડૂતોના કહેવા મુજબ 1 વિઘામાં 15 હજાર જેટલો ખર્ચ થતો હોય છે અને સારું ઉત્પાદન મળતા 1 વિઘે 30 થી 35 હજાર મળે છે, પણ હાલ પાક નુકશાન થતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.
ભરુચ જિલ્લા માં બે દિવસથી વરસાદી માહોલ જામતા ડાંગર અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે. હાંસોટ પંથકમાં 2 દિવસમાં વરસેલા 5 ઇંચ કમોસમી વરસાદના કારણે કપાસનો તૈયાર પાક ધોવાઈ ગયો છે .છોડ પર જ કપાસ મોટા પ્રમાણમાં પલળી જતા વ્યાપક નુકશાન થયું છે.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકથી સતત વરસતા કમોસમી વરસાદે ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. સુત્રાપાડા તાલુકાના નારિયા વાવ ગામે ખેડૂત કરસનભાઈ પંપાણીયાના ખેતરમાં લણાયેલ ચાર ખાંડી એટલે કે આશરે 1600 કિલો મગફળીનો પાક પાણીમાં બળી જતાં મહેનતનો પાક બરબાદ થયો છે. ગત બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં ઉના, ગીર ગઢડા, સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના પાથરા પાણીમાં ગરકાવ થયા છે. અનેક ગામડાઓમાં ખેડૂતોએ મગફળી અને સોયાબીન જેવા પાકમાં મોટું નુકસાન થવાની દહેશત વ્યક્ત કરી છે.








