Anand news: અમૂલ ડેરીની મતદાર યાદી પ્રસિદ્ધ કર્યાના 10 કલાક બાદ મોડી રાત્રે તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન
ગુજરાત રાજ્યની સૌથી ચર્ચિત એવી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી જ

ગુજરાત રાજ્યની સૌથી ચર્ચિત એવી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી જાહેર થઈ છે. આણંદની અમૂલ ડેરીની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. મળતા અહેલ પ્રમાણે મતદાર યાદી પ્રસિદ્ધ કર્યાના 10 કલાક બાદ મોડી રાત્રે ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. 10 સપ્ટેમ્બરના રોજ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી યોજાશે. મળતા અહેવાલ પ્રમાણે 20 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્રો ભરાશે.
30મી ઓગસ્ટના શનિવારના રોજ ફોર્મ પરત ખેંચાવાની તારીખ
તો બીજી તરફ 29 ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે, ત્યાર બાદ આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માન્ય ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. ફોર્મ પરત ખેંચવા માટે એક જ દિવસ આપવામાં આવ્યો છે. જેમાં 30મી ઓગસ્ટના શનિવારના રોજ 11થી3 સુધીમાં ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે.
10મી સપ્ટેમ્બરના રોજ યોજાશે મતદાન
આંણદની અમૂલ ડેરીની ચૂંટણી 10મી સપ્ટેમ્બરના રોજ સવારે 9.00 વાગ્યાથી બપોરના 3.00 વાગ્યા સુધી યોજાવામાં આવશે. તો બે દિવસ બાદ એટલે કે 12મી સપ્ટેમ્બરના રોજ મતદાન ગણતરી યોજવામાં આવશે. મતદાન અને મત ગણતરી બંને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં (ડેરી) ખાતે યોજાશે.
આણંદની અમૂલ ડેરીની ચૂંટણી જીતવા માટે રાજકીય કાવાદાવા શરૂ કરાયા છે. અમૂલ ડેરીમાં સત્તા મેળવવા માટે 2020ની માફક ચૂંટણીની વ્યૂહનીતિ અપનાવવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસે સમાધાનની ફોર્મ્યુલા અમલમાં મૂકી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ઉદ્યોગપતિઓએ કરી ડેરીની ચૂંટણીમાં મધ્યસ્થી
અમૂલ ડેરીની ચૂંટણી જાહેર કરવામાં આખરી તબક્કો બાકી છે. તારીખ 12 ઓગસ્ટે મતદાર યાદી જાહેર થયા બાદ ચૂંટણીનું એલાન ગમે ત્યારે થઈ શકે છે. આણંદ શહેરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના અંગત સમર્થક અને દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા ડેરીની ચૂંટણીમાં મધ્યસ્થી તરીકે કામગીરી કરાઇ છે. આ મધ્યસ્થી દ્વારા ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓની ગુપ્ત સ્થળે બેઠક મળી હતી. જેમાં ભાજપને સાત અને કોંગ્રેસની પાંચ બેઠકો મળે તેમજ ભાજપને ચેરમેન અને કોંગ્રેસને વાઇસ ચેરમેન પદ મળે તેવી વ્યૂહનીતિ ઘડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
અમૂલ નિયામક મંડળની 5 વર્ષની મુદત 29 ઓગસ્ટે પૂર્ણ થશે
અમૂલ નિયામક મંડળની 5 વર્ષની મુદત 29 ઓગસ્ટે પૂર્ણ થશે. આ વખતે ચૂંટણીમાં નવીનતા તરીકે મહિલાઓ માટે પેટલાદ અને ઠાસરા બેઠકો અનામત રાખવામાં આવી છે. અગાઉ 1195 મતદારોની કાચી યાદી તૈયાર કરાઈ હતી, જેમાં સુધારા બાદ 1210 મતદારોની આખરી યાદી જાહેર કરાઈ.








