મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli: ચલાલા પાલિકામાં 'ભૂકંપ'! ગેરવહીવટ અને 7 મહિનાથી સામાન્ય સભા ન મળતા ભાજપના સભ્યોએ પ્રમુખને ઘેર્યા

અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભ

Amreli: ચલાલા પાલિકામાં 'ભૂકંપ'! ગેરવહીવટ અને 7 મહિનાથી સામાન્ય સભા ન મળતા ભાજપના સભ્યોએ પ્રમુખને ઘેર્યા

અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભાજપ શાસિત હોવા છતાં, નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેના પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

ચલાલા નગરપાલિકામાં કુલ 24 સભ્યો છે અને તમામ સભ્યો ભાજપના છે, તેમ છતાં પ્રમુખ અને ઉપપ્રમુખની કાર્યશૈલીથી નારાજ થઈને બહુમતી સભ્યોએ આ મોટું પગલું ભર્યું છે.

કોની સામે અવિશ્વાસની દરખાસ્ત 

પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા (મહિલા પ્રમુખ) અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયા વિરુદ્ધ આ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. દરખાસ્તમાં મુખ્યત્વે સભ્યોની અવગણના, ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર આરોપો ટાંકવામાં આવ્યા છે.

વોર્ડ નંબર 2 ના સભ્ય મુકતાબેન પરમારે આ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, જેને 24 માંથી 20 સભ્યોએ પોતાની સહી દ્વારા સમર્થન આપ્યું છે, જે પ્રમુખ-ઉપપ્રમુખ સામે સભ્યોની સ્પષ્ટ બહુમતી દર્શાવે છે.

બેઠકો બોલાવવામાં નિષ્ક્રિયતા મુખ્ય કારણ

સભ્યોમાં નારાજગીનું એક મુખ્ય કારણ એ પણ છે કે, છેલ્લા 7 મહિનામાં માત્ર એકમાત્ર બજેટ બેઠક બોલાવવામાં આવી છે અને તે પછી આજ સુધી એકપણ સામાન્ય સભાની બેઠક મળી નથી, જેના કારણે સદસ્યોની કામગીરી અને તેમના વોર્ડના પ્રશ્નો પર ધ્યાન અપાયું નથી.

આ સંદર્ભમાં, દરખાસ્ત રજૂ કરનારા સભ્યોએ ચીફ ઓફિસરને ચીમકી પણ આપી છે કે જો દિવસ પંદર (15 દિવસ)માં સામાન્ય સભા બોલાવવામાં નહીં આવે, તો તેઓ સક્ષમ અધિકારી સમક્ષ કાર્યવાહી કરવા માટે આગળ વધશે.

આ સમાચાર શેર કરો