મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh/ સત્તાનો નશો! ભાજપના જિલ્લા પંચાયત સદસ્યએ તાલુકા પંચાયતના ઈજનેરને કચેરીમાં ઘૂસી ઢોર માર માર્યો

જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં ભાજપના એક નેતાએ સરકારી કર્મચારી પર હુમલો કરી પોતાની સ

Junagadh/ સત્તાનો નશો! ભાજપના જિલ્લા પંચાયત સદસ્યએ તાલુકા પંચાયતના ઈજનેરને કચેરીમાં ઘૂસી ઢોર માર માર્યો

જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં ભાજપના એક નેતાએ સરકારી કર્મચારી પર હુમલો કરી પોતાની સત્તાની ગરમી બતાવી હોવાની શરમજનક ઘટના બની છે. ભાજપના જિલ્લા પંચાયત સદસ્યએ તાલુકા પંચાયતના ઈજનેરને માત્ર એટલા માટે માર માર્યો કારણ કે ઈજનેરે તેમને ફોન પર ઓળખ્યા નહોતા.

કચેરીની લોબીમાં જ હુમલો

ભેસાણ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા ઈજનેર વિશાલ પોકર પર જિલ્લા પંચાયત સદસ્ય કુમાર બસીયા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ઈજનેરે અગાઉ ફોન પર કુમાર બસીયાને ન ઓળખતા હોવાનું જણાવ્યું હતું, જેનો ખાર રાખીને નેતાજી બે માણસો સાથે કચેરીએ પહોંચી ગયા હતા.   ઈજનેર વિશાલ પોકરને ઢીકાપાટુનો માર અને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલાખોરોએ અત્યંત દાદાગીરી પૂર્વક વર્તન કર્યું હતું:

બે અજાણ્યા શખ્સોએ ઈજનેરને પકડી રાખ્યા હતા, જ્યારે કુમાર બસીયાએ કચેરીની લોબીમાં જ આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઘટનાને પગલે ટીડીઓ (TDO) અને અન્ય સ્ટાફે વચ્ચે પડીને ઈજનેરને વધુ માર ખાતા બચાવ્યા હતા. હુમલો કર્યા બાદ નેતાએ ધમકી આપી હતી કે, "હવે પછી ક્યાંય દેખાતો નહીં, નહિતર મારી નાખીશ".

પોલીસ ફરિયાદ અને ચકચાર

ઈજનેર વિશાલ પોકરે આ સમગ્ર મામલે ભેસાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સરકારી કચેરીમાં ઘૂસીને ફરજમાં રૂકાવટ ઉભી કરવા અને કર્મચારી પર હુમલો કરવાના આ બનાવથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. સત્તાના મદમાં ચૂર નેતા સામે પોલીસ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો