9 વર્ષની બાળકીનો શું વાંક? : સાવકી માતાએ હાથ-પગ બાંધી, મોઢે ટેપ લગાડી, ટીપણામાં પુરી દીધી

Bhavnagar News : ભાવનગર શહેરમાં એક 9 વર્ષની બાળકી પર તેની સાવકી માતાએ ક્રૂર અત્યાચાર આચાર્યો હોવાની ઘટના ઘટી છે. શહેરમાં દેવરાજનગર પાસે આવેલી શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં 9 વર્ષની બાળકીને તેની સાવકી માતાએ બન્ને હાથ-પગ બાંધી, મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડી, માથાના વાળ, આંખના નેણ કાપી નાખ્યા અને ટીપણામાં પૂરી દીધી હતી.
આજુબાજુના લોકોને જાણ થતા બાળ કલ્યાણ વિભાગને અને બાળ કલ્યાણ સમિતિને જાણ કરતા અધિકરીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને બાળકીનું રેસ્ક્યુ કરીને બાળકીને છોડાવી તેનો કબજો લીધો હતો.
આ પણ વાંચો : પાટણ રેંગિગ કાંડ: મેડિકલ કોલેજે 15 સિનિયર વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યા, ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ
આ માસૂમ બાળકીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે તેની સાવકીમાં તેને અને તેની બહેનને અવાર-નવાર મારે છે અને પંખે પણ લટકાવે છે. તેની સાવકી મા તેની પાસે ઘરના બધા કામ કરાવે છે, છતાં જમવા આપતી નથી. આ બાળકી વાસણ ધોતી હોય ત્યારે તેમાંથી વધેલું એંઠું ખાવા મજબુર બની હતી.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે ચોંકાવનારી વાત તો એ છે કે બાળકીના પિતાને તમામ વાતની જાણ હોવા છતાં બાળકીની સાવકી માને અત્યાચાર કરતા રોકી ન હતી.
આ બાળકીએ તેના માતા-પિતા સાથે રહેવાની અનિચ્છા વ્યક્ત કરતા બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ હાલ આ બાળકીને તાપીબાઈ વિકાસ ગૃહમાં તેની સંભાળ માટે મોકલી આપી છે.

