મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના પાલનપુર પાટિયા નજીક નશાધૂત કારચાલકે 15 વાહનોને અડફેટે લીધા, જાણો શું છે સમગ્ર મામલો

સુરકના પાલનપુર પાટિયા નજીક નશાધૂત કારચાલકે 15 વાહનોને અડફેટે લીધા, જાણો શું છે સમગ્ર મામલો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં દારૂના નશામાં કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને આતંક મચાવ્યો હતો. નશાની હાલતમાં પુરઝડપે કાર દોડાવીને ચાલકે એકસાથે 15 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.

15 વાહનોને અડફેટે લઈ નાસવાનો પ્રયાસ કર્યો

મળતી માહિતી અનુસાર, સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં પુરઝડપે આવી રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા તથા પાર્ક કરેલા 15 જેટલા વાહનોને ધડાધડ અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં અનેક વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારચાલકે ઘટનાસ્થળેથી ગાડી ભગાવીને નાસી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે, બનાવને પગલે ભેગા થયેલા લોકોએ કારચાલકને સ્થળ પર જ ઘેરીને ઝડપી લીધો હતો અને પોલીસના હવાલે કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર કારચાલકની ઓળખ યશ રાઠોડ તરીકે થઈ છે, જે ઓલપાડ ખાતે કરિયાણાની દુકાન ચલાવે છે. આરોપી ઓલપાડથી અંદાજે 40 કિલોમીટર દૂર સુરત ખાતે પોતાના મિત્રને મળવા માટે આવ્યો હતો. સુરત પહોંચ્યા બાદ બંને મિત્રોએ મિત્રના ઘરે દારૂની મહેફિલ માણી હતી.

દારૂના નશામાં ધૂત થયા બાદ બંને મિત્રો કાર લઈને રોડ પર નીકળી પડ્યા હતા. તેણે પાલનપુર પાટિયા જેવા ગીચ અને સતત અવરજવર વાળા વિસ્તારમાં જોખમી રીતે કારની રેસ લગાવીને અનેક નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા હતા. હાલ પોલીસે દારૂ પીને અકસ્માત સર્જનાર યશ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, આરોપી યશ રાઠોડે ઓલપાડ તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ અને ભાજપ નેતા નીરિક્ષા અતુલ રાઠોડનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો