મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કરોડોના ખર્ચે બનેલી એનિમલ હોસ્પિટલ ખંડેર હાલતમાં, અનેક રજૂઆતો છતાં મેડિકલ સટાફની અછત

જીવદયા માટે સંવેદનશીલતા દાખવતી સરકારે છેલ્લા ત્રણ વર્ષથી 11 કરોડના ખર્ચે તૈયાર થયેલી

કરોડોના ખર્ચે બનેલી એનિમલ હોસ્પિટલ ખંડેર હાલતમાં, અનેક રજૂઆતો છતાં મેડિકલ સટાફની અછત

જીવદયા માટે સંવેદનશીલતા દાખવતી સરકારે છેલ્લા ત્રણ વર્ષથી 11 કરોડના ખર્ચે તૈયાર થયેલી બિલાસિયા ખાતે આવેલી એનિમલ હોસ્પિટલ હજુ સુધી ચાલુ નથી કરી. ખાસ વાઈલ્ડ લાઈફ માટે બનાવવામાં આવેલી અને 1500 પ્રાણીઓની એક સાથે સારવાર થઈ શકે તે માટે ત્રણ વર્ષ પહેલા અમદાવાદ પૂર્વ વિસ્તારમાં નિકોલ પાસે આવેલા બિલાસિયા ખાતે એનિમલ શેલ્ટર અને હોસ્પિટલ તૈયાર છે, પરંતુ ત્યાં હજુ સુધી હોસ્પિટલ કે શેલ્ટરની સેવાઓ, ડોક્ટર કે પેરા મેડિકલ સ્ટાફના કોઈ ઠેકાણા નથી. 

આ પણ વાંચો: VIDEO: ગુજરાતના આ ગામમાં માતાના મઢમાં ભણવા મજબૂર બન્યા 100થી વધુ વિદ્યાર્થીઓ, જાણો શું છે કારણ

મકાન તૈયાર પણ સ્ટાફ જ નથી 

આ અંગે જીવદયાની સંસ્થાઓએ અનેકવાર રજૂઆતો કરી છતાં પણ વન વિભાગ દ્વારા કોઈ પણ પગલાં લેવાયા નથી. ખાસ કરીને જંગલી પ્રાણીઓ માટે બનાવવામાં આવેલા આ એનિમલ શેલ્ટરમાં વાંદરા, નીલગાય, શિયાળ, યાયાવર પક્ષીઓની સારવાર કરવાના હેતુથી બનાવવામાં આવી હતી. 

પૂર્વ અમદાવાદમાં હાલ કોઈ એનિમલ શેલ્ટર સેન્ટર નથી 

હાલમાં અમદાવાદમાં બોડકદેવ ખાતે આ સેવા કરવામાં આવે છે. પરંતુ પૂર્વ અમદાવાદમાં જો કોઈ પ્રાણી ઈજાગ્રસ્ત થાય તો તેને છેક બોડકદેવ સુધી લાવીએ તો તેની સારવાર શક્ય બને છે. પૂર્વ વિસ્તારમાંથી બોડકદેવ આવતાં ઘણીવાર ટ્રાફિકમાં બે કલાક જેટલો સમય લાગતો હોવાથી ઘણાં કિસ્સાઓમાં પ્રાણીઓના મોત નીપજ્યા છે.

જેથી પૂર્વ વિસ્તારના પ્રાણી પ્રેમીઓએ ખાસ બિલાસિયા ખાતે પ્રાણીઓ માટે એનિમલ શેલ્ટર બને તે માટે વિનંતી કરી હતી જે અંતર્ગત ત્રણ વર્ષ પૂર્વે દાસ્તાન સર્કલ પાસે આવેલા બિલાસિયા એનિમલ શેલ્ટર બનાવવામાં આવ્યું. અહીં 1500 જેટલા પ્રાણીઓની ક્ષમતાવાળું  શેલ્ટર સેન્ટર છે પરંતુ અહીં ડૉક્ટર કે પેરામેડિકલ સ્ટાફ ન હોવાથી અહીં કોઈપણ પ્રકારની સેવાઓ થતી નથી. 

આ પણ વાંચો: રાજકોટ: માસૂમ જેને મામા કહેતી તે નરાધમે જ પીંખી નાખી, બિભત્સ વિડિયો દેખાડી આચર્યું કુકર્મ

સરકારે એનિમલ શેલ્ટર સેન્ટર બનાવવા 11 કરોડ ખર્ચ કર્યા

આ અંગે વાત કરતાં પૂર્વ વિસ્તારના જીવદયા પ્રેમી અશ્વિનભાઈ ધનખડ જણાવે છે કે ખાસ ઉત્તરાયણમાં સંખ્યાબંધ પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે. તેમની સારવાર માટે બિલાસિયા એનિમલ શેલ્ટર સેન્ટર નજીક પડે. સરકારે તે બનાવવા 11 કરોડનો ધરખમ ખર્ચ પણ કર્યો છે પરંતુ ઈચ્છાશક્તિના અભાવે અત્યારે અહીં કોઈપણ પ્રકારની સેવા આપવામાં આવતી નથી. 

તાત્કાલિક ધોરણે એનિમલ શેલ્ટર સેન્ટરની સેવાઓ શરુ કરવી જરૂરી

જીવદયા પ્રેમી અશ્વિનભાઈ ધનખડે વધુમાં જણાવ્યુ કે વન વિભાગ તાત્કાલિક અસરથી આ સેન્ટર ચાલુ કરે. પૂર્વના છેવાડાના વિસ્તારોમાં વાઈલ્ડ લાઈફ પણ મોટી સંખ્યામાં છે. 

હમણાં જ એક ઘટનામાં એક વાંદરો ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક બોડકદેવ આવેલા એનિમલ શેલ્ટરમાં લાવવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં જ તેના પ્રાણ પંખેરું ઊડી ગયા હતા. 

આ પણ વાંચો: સુરતમાં પિતા વિહોણી 111 દીકરીઓના સમૂહલગ્નમાં પહેલ, સાસુ-સસરા કરશે વહુ અને જમાઈની આરતી

આવી અનેક ઘટનાઓ પૂર્વથી પશ્ચિમના એનિમલ શેલ્ટર તરફ લઈ જતાં થવાથી સરકારે તાત્કાલિક ધોરણે બિલાસિયા એનિમલ શેલ્ટર સેન્ટરની સેવાઓ શરુ કરી દેવી જોઈએ. આ સેન્ટરનું મકાન તૈયાર છે માત્ર સ્ટાફ નથી તો તેની ભરતી કરીને અથવા તો લાવીને પણ સેવાકાર્ય શરૂ કરવું જોઈએ. 

આ સમાચાર શેર કરો