રાજ્યમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બે પકડાયા, મુખ્ય આરોપીએ NDPS કેસની કાર્યવાહી અટકાવવા રચ્યું હતું કાવતરું

ગુજરાત હાઇકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મોકલવાના મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચેન્નાઈથી બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અશફાક અંસારી અને રાજેશ મુનિયાની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ સામે અગાઉ NDPS એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે. આરોપી અશફાક અંસારીની વર્ષ 2024માં સુરતમાં 512 ગ્રામ MD ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, 29 ઓક્ટોબર 2025થી તે પેરોલ જમ્પ કરીને ફરાર હતો.
NDPS કેસની કાર્યવાહી અટકાવવા ધમકીભર્યો ઈ-મેલ
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે 5 તારીખે સુરત કોર્ટમાં અશફાક અંસારી વિરુદ્ધ NDPS કેસની કાર્યવાહી થવાની હતી. આ કાર્યવાહી અટકાવવા તેમજ લોકોમાં ભય ફેલાવવા માટે ગુજરાત હાઇકોર્ટ અને સુરત કોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મોકલવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઉપરાંત, જામીન ન મળતા અને સુરત કોર્ટમાં NDPS કેસની કાર્યવાહી થવાની હોવાથી અશફાકે કોર્ટમાં ધમકીભર્યો ઈ-મેલ મોકલ્યો હોવાનું ખૂલ્યું છે.
આ સમગ્ર કાવતરામાં મદદગારી કરનાર રાજેશ મુનિયાની પણ પોલીસે ધરપકડ કરી છે. રાજેશ મુનિયા સામે પણ અગાઉ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ બાદ ધમકીભર્યા ઈ-મેલ પાછળના અન્ય પાસાઓ અને તેમની ભૂમિકા અંગે વધુ તપાસ શરૂ કરી છે.

