Video: નવ વર્ષ બાદ બહુચરાજીથી ફરી દોડી પેસેન્જર ટ્રેન, PM મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી માટે રેલવે કનેક્ટિવિટીના ક્ષેત્રે મહત્વપૂર્ણ શરૂઆત થઈ છે. ગેજ કન્વર્ઝનની કામગીરી પૂર્ણ થયાના નવ વર્ષ બાદ બહુચરાજીથી પ્રથમ પેસેન્જર ટ્રેન દોડતી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓનલાઇન માધ્યમથી આ ટ્રેન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રેલવે સેવા શરૂ થતાં સ્થાનિક લોકો, વેપારીઓ અને માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
બહુચરાજી આવતા દર્શનાર્થીઓને રાહત
આ ટ્રેન સેવા શરૂ થવાથી બહુચરાજી અને આસપાસના વિસ્તારોના લોકોને અવરજવરમાં મોટી સુવિધા મળશે. ખાસ કરીને યાત્રાધામ બહુચરાજીમાં આવતા દર્શનાર્થીઓને મુસાફરીમાં સરળતા રહેશે. આ ઉપરાંત સ્થાનિક ઉદ્યોગો અને વેપાર-ધંધાને પણ નવી ગતિ મળવાની આશા છે. મહેસાણાથી સાબરમતી વચ્ચે દોડતી ટ્રેનનું ભાડું પણ સામાન્ય મુસાફરોને પરવડે તેવું રાખવામાં આવ્યું છે.
આ રેલવે સેવાની વિશેષતા તેના સસ્તા ભાડા અને માસિક સિઝન પાસમાં જોવા મળે છે. મુસાફરોને માત્ર 355 રૂપિયામાં માસિક સિઝન પાસની સુવિધા મળશે, જ્યારે વિદ્યાર્થીઓ માટે 180 રૂપિયા અને વેપારીઓ માટે 535 રૂપિયાનો માસિક પાસ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વેપારીઓ માત્ર 25 રૂપિયામાં અમદાવાદ સુધીની મુસાફરી કરી શકશે.
નવ વર્ષના લાંબા સમયગાળા બાદ ફરી શરૂ થયેલી આ પેસેન્જર ટ્રેન સેવા બહુચરાજી માટે પરિવહનની નવી સુવિધા બની રહેશે. ખાસ કરીને અમદાવાદ અને મહેસાણા તરફ રોજિંદી અવરજવર કરતા લોકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને આર્થિક રીતે પણ ફાયદો થશે. રેલવે સેવા શરૂ થવાથી યાત્રાધામ બહુચરાજીના વેપાર-ધંધાને વેગ મળવાની સાથે સ્થાનિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે.










