Video: ગુજરાતી સાહિત્ય જગતના અજવાળા ઓલવાયા! કવિ રાજેન્દ્ર શુક્લને અંતિમ વિદાય, મહાનુભાવો થયા ભાવુક

સોર્સ: Dhaval barot

ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા અને આધુનિક ગુજરાતી કવિતાના મૂર્ધન્ય સર્જક કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. ગઝલ અને કવિતાના ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર રાજેન્દ્ર શુક્લ 'ગઝલસંહિતા' અને 'કોમલ ઋષભ' જેવી કૃતિઓથી સાહિત્યપ્રેમીઓમાં વિશેષ લોકપ્રિય બન્યા હતા. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી પુરસ્કાર સહિતના સન્માન પ્રાપ્ત થયા હતા.

કવિ રાજેન્દ્ર શુક્લના નિધન બાદ તેમના પરિવારજનોએ પણ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમના પુત્ર ધૈવત શુક્લએ જણાવ્યું હતું કે પિતાની વિદાય પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર કવિજગત માટે મોટી ખોટ છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ હૃદય સંબંધિત બીમારીથી પીડાતા હતા. હૃદયની સર્જરી બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્રએ પિતાની અંતિમ ક્ષણો યાદ કરતાં જણાવ્યું કે દેહત્યાગ કરતા પહેલાં પણ કવિ મિજાજમાં તેમણે માત્ર ત્રણ શબ્દો કહ્યા હતા – 'અજવાળા... અજવાળા... અજવાળા...'

જાહેરાત

કવિ રાજેન્દ્ર શુક્લને અંતિમ વિદાય આપવા સાહિત્ય, શિક્ષણ અને વહીવટી ક્ષેત્રના અનેક મહાનુભાવો પહોંચ્યા હતા. પદ્મશ્રી તુષાર શુક્લ, પૂર્વ IAS અધિકારી અને લેખક ભાગ્યેશ ઝા તેમજ પદ્મશ્રી કુમારપાળ દેસાઈ સહિતના મહાનુભાવોએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે પદ્મશ્રી તુષાર શુક્લ ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે રાજેન્દ્ર શુક્લની વિદાય કવિજગત માટે ક્યારેય ન પૂરાય તેવી ખોટ છે. જ્યારે પૂર્વ IAS અધિકારી ભાગ્યેશ ઝાએ ભાવુક થઈને કહ્યું હતું કે, 'આજે મેં મારા ગુરુને ગુમાવ્યા છે.' તેમણે જણાવ્યું કે રાજેન્દ્ર શુક્લ પાસેથી તેમણે ઘણું શીખ્યું છે અને તેમના માર્ગદર્શનથી પોતાનું ઘડતર થયું છે.

બીજી તરફ પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ પણ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજેન્દ્ર શુક્લની વિદાયથી મોટી ખોટ પડી છે. તેમના પાંચ ગ્રંથો ખૂબ જ મહત્ત્વના હતા. મિત્રોના સહયોગથી આ ગ્રંથો પ્રકાશિત થયા હતા.

કવી રાજેન્દ્ર શુક્લના અંતિમ સંસ્કાર અમદાવાદના થલતેજ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા હતા. એક એવો કવિ, જેણે પોતાના શબ્દોથી ગુજરાતી સાહિત્યને અજવાળ્યું, આજે ભૌતિક રીતે વિદાય થયો છે. પરંતુ તેમની કવિતાઓ, ગઝલો અને સાહિત્યસર્જન હંમેશાં ગુજરાતી ભાષાના આકાશમાં અજવાળું પાથરતા રહેશે.

ગુજરાતી સાહિત્ય જગત માટે આ માત્ર એક કવિની વિદાય નથી, પરંતુ શબ્દોના એક યુગનો અંત છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત