₹17 કરોડના ખર્ચે બદલાશે જેતલસર જંકશનની સૂરત: ભાવનગર મંડળનો સૌથી લાંબો ફૂટ ઓવર બ્રિજ બનશે

₹17 કરોડના ખર્ચે બદલાશે જેતલસર જંકશનની સૂરત: ભાવનગર મંડળનો સૌથી લાંબો ફૂટ ઓવર બ્રિજ બનશે
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવતા મહત્ત્વપૂર્ણ રેલવે સ્ટેશન ‘જેતલસર જંકશન’ના સર્વાંગી વિકાસ અને મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે રેલવે તંત્ર દ્વારા મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત અંદાજે 17 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેને 27 માર્ચ 2026ના રોજ મંજૂરી મળી ચૂકી છે.

મુસાફરો માટે આધુનિક સુવિધાઓ અને નવા ફૂટ ઓવર બ્રિજ

પુનર્વિકાસ યોજના હેઠળ સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયા, પાર્કિંગ, પ્રવેશ અને નિકાસ દ્વારનું નવીનીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત, કવર શેડ, દિવ્યાંગજનો સહિત મહિલા અને પુરુષો માટે અલગ શૌચાલય બ્લોક, GRP કાર્યાલય અને ઇલેક્ટ્રોનિક કોચ ગાઇડન્સ સિસ્ટમ જેવી સુવિધાઓ ઊભી કરાશે.

જાહેરાત

મુસાફરોની સરળ અવરજવર માટે પ્લેટફોર્મ નં. 1 થી 4/5ને જોડતા ફૂટ ઓવર બ્રિજ(FOB)નું વિસ્તરણ કરીને 16 માર્ચ 2026થી ખુલ્લો મૂકાયો છે. આ સાથે જ, અંદાજે 13.42 કરોડ રૂપિયાના ખર્ચે 159 મીટર લાંબો અને 6 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ બની રહ્યો છે, જે સમગ્ર ભાવનગર મંડળનો સૌથી લાંબો બ્રિજ હશે. આ બ્રિજ પર તમામ પ્લેટફોર્મ માટે લિફ્ટ અને દિવ્યાંગ-ફ્રેન્ડલી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. હાલમાં પ્લેટફોર્મ નં. 2/3 પર લિફ્ટ કાર્યરત કરી દેવાઈ છે અને અન્ય એક 6 મીટર પહોળા બ્રિજનું કામ પણ પ્રગતિમાં છે.

પાણી પુરવઠો, ડિજિટલ માહિતી સહિત અન્ય સુવિધા

પાણીની વ્યવસ્થા: 90 લાખ રૂપિયાના ખર્ચે 2.25 લાખ લિટરની ક્ષમતા ધરાવતી આધુનિક RCC ઓવરહેડ ટાંકી 31 માર્ચ 2026થી કાર્યરત કરાઈ છે, જેનાથી સ્ટેશન ઉપરાંત 113 રેલવે આવાસો અને 3 સર્વિસ બિલ્ડિંગ્સને પૂરતું પાણી મળી રહ્યું છે.

ડિજિટલ માહિતી: જુલાઈ 2026થી સ્ટેશન પર અત્યાધુનિક ‘ઇન્ટિગ્રેટેડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ’ (IPIS) શરૂ કરાઈ છે, જે મુસાફરોને ટ્રેનોની સચોટ માહિતી પૂરી પાડે છે.

કટોકટી વ્યવસ્થા: વ્યૂહાત્મક મહત્ત્વને ધ્યાનમાં રાખીને 14 જૂન 2026થી અહીં ‘રોડ મોબાઇલ રિસ્ટોરેશન વ્હીકલ’ (RMRV) તૈનાત કરાયું છે. ઉપરાંત રાજકોટ, વેરાવળ અને ભાવનગર ખાતે એક્સિડન્ટ રિલીફ ટ્રેન (ART)ની સુવિધા પણ ઉપલબ્ધ છે.

કેટરિંગ સુવિધા: સ્ટેશન પર મુસાફરોને સારું ભોજન અને નાસ્તો મળી રહે તે માટે રેલવે દ્વારા IRCTC સાથે સંકલન સાધીને વ્યવસ્થા શરૂ કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત