કાર્યકર્તાઓને એક મંચ પર લાવવા ભાજપનો નવો પ્રયોગ, PM મોદી સહિતના નેતાઓએ વર્ચ્યુઅલી પાઠવી શુભેચ્છા

સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ નવા વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓના સ્નેહ મિલન સમારંભનું આયોજન મહેસાણા સહિત વિસનગર, બહુચરાજી, ઊંઝા સહિતની વિધાનસભામાં આયોજન કરવામાં આવ્યું. આ વખતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ આગેવાનો દ્વારા ટેક્નોલોજી મારફતે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે . ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા આ નવા પ્રયાસ થકી કાર્યકર્તાઓને દરેક વિધાનસભામાં એકત્ર કરવાનો આ અવસર પક્ષમાં નવો જોમ અને ઉત્સાહ ભરી દેશે તેમ હાલમાં ભાજપ માની રહ્યું છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. દરમિયાન તેમણે સંબોધન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની ઓળખ એટલે વેપાર અને આપણું કચ્છ આજે આશાઓનું નવું કેન્દ્ર બન્યું છે. વર્ષ 2001ની આસપાસ રાજ્યમાં ભીષણ દુકાળની સ્થિતિ હતી, પરંતુ 'ગુજરાતના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ'ના મંત્ર અને જનભાગીદારીથી ઝડપી પ્રગતિ શક્ય બની છે. કહ્યું કે, વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતે હજુ મોટી હરણફાળ ભરવાની છે અને જે સુવર્ણકાળની વાતો થાય છે તે હવેની પેઢી નજરે જોશે.
કાર્યકર્તાઓ વિશે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, ગુજરાતના કાયાકલ્પમાં ભાજપના કાર્યકરોની ભૂમિકા જરાય ઓછી નથી અને ભાજપના કાર્યકર્તા હોવું એ મોટું સૌભાગ્ય છે. મારી પાસે કાર્યકર્તાઓની મોટી ફોજ છે જેઓ સંકલ્પ સાથે કામ કરે છે, તેથી પરિણામ નિશ્ચિત મળે છે.








