દિવાળી પહેલાં ભદ્ર બજારમાં ખરીદીનો માહોલ જામ્યો; વેપારીઓમાં ખુશી, કહ્યું- તહેવારોમાં આવક ત્રણ ગણી વધી

દિવાળી પહેલાં ભદ્ર બજારમાં ખરીદીનો માહોલ જામ્યો; વેપારીઓમાં ખુશી, કહ્યું- તહેવારોમાં આવક ત્રણ ગણી વધી
તસવીર: Google
આ સમાચાર સાંભળો

દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. આ તહેવારમાં ખરીદી કરવા માટે લોકો શહેરના અલગ અલગ માર્કેટમાં ઉમટી રહ્યા છે. જો કે, દિવાળી સહિત અનેક તહેવારોમાં અને ઘરના પ્રસંગો માટેની વસ્તુઓની ખરીદી માટે અમદાવાદનું જાણીતું ભદ્ર બજાર ખરીદી કરનાર લોકોને હકડેઠઠ ભીડથી ઉભરાઈ ગયું છે. મહત્ત્વનું છે કે, અહીં વેચાણ કરતા પાથરણાવાળાઓને નોર્મલ કરતાં અત્યારે ડબલ-ત્રિપલ વકરો એક દિવસમાં થઈ રહ્યો છે.

દિવાળી ટાણે ઈ-કોમર્સની ઓફરો સામે ભદ્રના પાથરણા બજારનો ક્રેઝ અકબંધ

જાહેરાત

અમદાવાદના મધ્યમાં આવેલું ભદ્ર બજાર લોકો માટે જૂનું અને જાણીતું છે. અહીં સામાન્ય ઘરથી શ્રીમંત ઘર સુધીના દરેક સભ્યો તહેવાર અથવા પ્રસંગોમાં ખરીદી કરતા હોય છે. ત્યારે આ વખતે દિવાળીના તહેવાર પહેલા લોકો અહીં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. લોકો અહીંથી ઇમિટેશન જ્વેલરી, અવનવી બંગડી, કોસ્મેટીક વસ્તુ અને કપડાં સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.

ખરીદદારોની ભારે ભીડથી વેપારીઓને ત્રણ ગણી આવક વધી

મહત્ત્વનું છે કે, આજના ડિજિટલ યુગમાં એક તરફ ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા તહેવાર ટાણે મોટા-મોટા ડિસ્કાઉન્ટ સહિતની ઓફર આપવામાં આવે છે. તેમ છતાં હજુ પણ લોકો અહીં બજારમાંથી વસ્તુ જોઈને ખરીદી કરવાનો અને ભાવતાલ કરાવીને ખરીદી કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. જેને લીધે લોકલ વેપારીઓને સામાન્ય દિવસો કરતાં તહેવાર ટાણે દિવસમાં ઓછામાં ઓછી 8થી 10 હજાર રૂપિયાની કમાણી થાય છે.

ખરીદી કરવા આવતા લોકોએ જણાવ્યું હતું કે, 'તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીં ખરીદી કરવા આવે છે. ઓનલાઇન ખરીદીમાં છેતરાવવાનો અને પછીથી રિફંડ બાબતે મુશ્કેલી થતી હોય છે, જેને લીધે અહીં રૂબરૂ આવીને વસ્તુ જોયા બાદ યોગ્ય ભાવતાલ કરાવીને ઓનલાઇન કરતા ઓછા ભાવે ખરીદી કરી શકાય છે.' એટલું જ નહીં સુપર મોલ અને પોશ વિસ્તારમાં આવેલા માર્કેટ કરતાં અહીં ઓછા ભાવે અને સારી વસ્તુની ખરીદી કરતા હોય તેવું પણ તેમણે જણાવ્યું છે.

વેપારીઓએ શું કહ્યું?

તો અહીં વેપાર કરતાં વેપારીઓએ જણાવ્યું કે, 'નવરાત્રિ પૂરી થયા બાદ લોકો દિવાળીની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. સામાન્ય દિવસમાં બે-અઢી હજાર રૂપિયા જેવો વકરો થતો હોય છે. જો કે, દિવાળીના તહેવાર સમયે દરેક વેપારીને ઓછામાં ઓછો 8થી 10 હજાર રૂપિયાનો વકરો એક દિવસમાં થાય છે. આનંદની વાત છે કે, લોકો ઓનલાઈન ખરીદી કરવાનું ટાળીને અહીં લોકલ માર્કેટમાંથી ખરીદી કરે છે, જેને લીધે સામાન્ય વેપારીઓને અને અન્ય લોકોને રોજગારી સારી મળી રહે છે.'

આ સમાચાર શેર કરો

જાહેરાત