અમદાવાદના વેજલપુરમાં નશાકારક સિરપનો મોટો જથ્થો ઝડપાયો, પિતા-પુત્ર સામે ગુનો દાખલ

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાંથી પોલીસે 10 સપ્ટેમ્બરની વહેલી સવારે એક શખસને નિયંત્રિત પદાર્થ 'કોડીન ફોસ્ફેટ' ધરાવતી ઉધરસની દવાની 354 બોટલો તથા રોકડ સહિત કુલ ₹4.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં આવેલા રમઝાન પાર્ક-2ના રહીશ ઇસાબખાન પઠાણ તરીકે થઈ છે.
કોડીનયુક્ત સિરપની 354 બોટલો સાથે એક શખસ ઝડપાયો
વેજલપુર પોલીસની ટીમે 10 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 3.50 વાગ્યે ઇસાબખાન પઠાણને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી કોડીન ફોસ્ફેટયુક્ત ઉધરસના સિરપની 354 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા સિરપનું આશરે વજન 35.4 કિલોગ્રામ છે, જેની બજાર કિંમત ₹4.16 લાખ આંકવામાં આવી છે.
પોલીસે ઘટનાસ્થળેથી સિરપ ઉપરાંત એક મોબાઇલ ફોન, ₹42,900ની રોકડ રકમ, આધાર કાર્ડ, લાઈટ બિલ અને એક કાળા રંગની બેગ પણ કબજે કરી છે. આ તમામ જપ્ત કરેલી ચીજવસ્તુઓની કુલ કિંમત આશરે ₹4.69 લાખ અંદાજવામાં આવી છે.
પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે આરોપીના પુત્ર રિયાઝ ઇસાબખાન પઠાણની સંડોવણી ખુલતા તેને પણ આરોપી તરીકે દર્શાવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ગેરકાયદે આર્થિક લાભ મેળવવાના હેતુથી રિયાઝે તેના પિતાને કોડીન ફોસ્ફેટ ધરાવતો આ જથ્થો પૂરો પાડ્યો હતો. બંને પિતા-પુત્રએ એકબીજાની મદદગારીથી કોડીનયુક્ત સિરપનો ગેરકાયદે જથ્થો રાખવા અને તેનું વેચાણ કરવાનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ છે.
ઉલ્લેખનીય છે કે, કોડીન એક ઓપિઓઇડ (અફીણ ઘટક) પદાર્થ છે, જેનો ઉપયોગ ચોક્કસ તબીબી નિયંત્રણો હેઠળ દવામાં થાય છે. કાયદાકીય જોગવાઈઓ બહાર તેનો સંગ્રહ કે વેચાણ કરવું એ ગુનો બને છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ગેરકાયદે જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શું આ પિતા-પુત્ર કોઈ મોટા નેટવર્ક કે રેકેટ સાથે જોડાયેલા છે કે કેમ તે અંગે દિશામાં તપાસ ચાલુ છે.

