અમદાવાદ રેલવે સ્ટેશન પર ભીડ રોકવા હોલ્ડિંગ એરિયા બનાવાયા, મુસાફરોને સંભળાશે છઠ પૂજાનાં ગીતો

અમદાવાદ રેલવે સ્ટેશન પર ભીડ રોકવા હોલ્ડિંગ એરિયા બનાવાયા, મુસાફરોને સંભળાશે છઠ પૂજાનાં ગીતો
તસવીર: AI
આ સમાચાર સાંભળો

દિવાળી અને છઠ પૂજા મહોત્સવ નિમિત્તે વતન ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે અમદાવાદ સહિત રાજ્યભરના રેલવે સ્ટેશનો પર દરરોજ હજારો મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. તહેવારોની ભીડને પહોંચી વળવા માટે રેલવે તંત્ર દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ દરમિયાન પ્લેટફોર્મ પર ભારે ભીડ અને ધક્કામુક્કીની સ્થિતિ ન સર્જાય તે માટે સ્ટેશન પ્લેટફોર્મની બહાર ખાસ હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં ટ્રેનની રાહ જોતા મુસાફરો માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા મનોરંજન માટે ગીતો વગાડવાની અનોખી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. તેની સાથે જ RPF ટીમ દ્વારા યાત્રીઓને મુસાફરી દરમિયાન રાખવાની સાવચેતી સહિત અન્ય સૂચનો પણ કરવામાં આવી રહ્યા છે.

હોલ્ડિંગ એરિયામાં બેઠેલા મુસાફરોને કંટાળો ન આવે તેવો પ્રયાસ

જાહેરાત

હજારો મુસાફરો સીધા પ્લેટફોર્મ પર ન પહોંચે તે માટે તેમને સ્ટેશન પરિસરની બહાર તૈયાર કરાયેલા હોલ્ડિંગ એરિયામાં બેસાડવામાં આવી રહ્યા છે. ટ્રેન આવે ત્યાં સુધી લાંબો સમય બેસી રહેતા આ મુસાફરોને કંટાળો ન આવે તે હેતુથી RPF દ્વારા સુરક્ષા બંદોબસ્તની સાથે સાથે સાઉન્ડ સિસ્ટમ પર ગીતો વગાડવામાં આવી રહ્યા છે. આ વ્યવસ્થાથી મુસાફરો ખુશખુશાલ વાતાવરણમાં પોતાની ટ્રેનની રાહ જોઈ શકે છે.

છઠ પૂજાના ગીતો વગાડવામાં આવી રહ્યા છે

હોલ્ડિંગ એરિયામાં મોટાભાગે છઠ પૂજા અને દિવાળી પર્વને લગતા ભક્તિ ગીતો વગાડવામાં આવી રહ્યા છે, જેથી મુસાફરો પોતાના વતન અને તહેવારના માહોલ સાથે જોડાયેલા રહે.

ધક્કામુક્કી અને અકસ્માત રોકવા કડક સુરક્ષા વ્યવસ્થા

સ્ટેશનો પર અફરાતફરી રોકવા માટે RPF અને રેલવે સુરક્ષા દળ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સંબંધિત ટ્રેન પ્લેટફોર્મ પર આવે તે પછી જ હોલ્ડિંગ એરિયામાંથી મુસાફરોને તબક્કાવાર પ્લેટફોર્મ તરફ જવા દેવામાં આવે છે, જેના કારણે ભાગદોડની શક્યતા નહિવત્ થઈ ગઈ છે.

RPFના અધિકારીએ જણાવ્યું કે, “મુસાફરોની સુરક્ષા સાથે તેમની સુવિધા અમારી પ્રાથમિકતા છે. હોલ્ડિંગ એરિયામાં ઉત્સવનું વાતાવરણ જળવાઈ રહે અને મુસાફરો સુરક્ષિત રીતે પ્રવાસ કરી શકે તે માટે આ આયોજન કરાયું છે.”

આ સમાચાર શેર કરો

જાહેરાત