મોડેલ સ્ટેટની વાસ્તવિકતા: ઉજ્જવલા યોજનાનો ફુગ્ગો ફૂટ્યો; ગુજરાતમાં અઢી લાખ પરિવારો રાંધણ ગેસથી વંચિત

ગરીબ પરિવારોની મહિલાઓને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ અપાવવા માટે 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના' અંતર્ગત મફત ગેસ કનેક્શન અને સિલિન્ડર વહેંચવામાં આવ્યા હતા. પરંતુ વર્તમાન સમયમાં કારમી મોંઘવારીએ આ યોજનાના હેતુ પર જાણે પાણી ફેરવી દીધું છે. ગુજરાતમાં રાંધણ ગેસના સિલિન્ડરની કિંમત રૂ.1,000ની નજીક પહોંચી જતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પાસે હવે બાટલો ભરાવવાના પણ પૈસા બચ્યા નથી. કેન્દ્ર સરકારના સત્તાવાર અહેવાલ મુજબ વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતમાં 2.89 લાખ લોકોએ એક પણ વખત ગેસનો બાટલો ભરાવ્યો જ નથી. આ પરથી ગુજરાતમાં લોકો કારમી મોંઘવારીમાં કેવી દારૂણ અવસ્થામાં જીવન વ્યતિત કરી રહ્યાં છે તેનો અંદાજ આવી શકે તેમ છે.
લોકો ગેસનો બાટલો ભરાવવા પણ સક્ષમ નથી
ઉજ્જવલા યોજનાની શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, હવે ગ્રામીણ અને ગરીબ મહિલાઓને લાકડાં વીણવામાંથી જ નહીં ધુમાડાથી મુક્તિ મળશે. સાથે સાથે તેમનું સ્વાસ્થ્ય સુધરશે પરંતુ વાસ્તવિકતા એ છે કે આર્થિક પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી ગઈ છે કે લોકોએ રાંધણ ગેસનો વિકલ્પ શોધવાની ફરજ પડી છે. ગેસ કનેક્શન હોવા છતાં સિલિન્ડર કિંમતો આસમાને પહોંચી છે પરિણામે સરકારની સબસિડી પણ જાણે ઊંટના મોંમાં જીરા સમાન સાબિત થઈ રહી છે.
ગુજરાતમાં 2.89 લાખથી વધુ પરિવારો આખા વર્ષમાં એક પણ સિલિન્ડર ન ભરાવે એ દર્શાવે છે કે, મફત મળેલો ગેસનો બાટલો હવે ઘરના ખૂણામાં માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયો છે. સામાન્ય નાગરિકોનું કહેવું છે કે, ખાવાના ફાંફા હોય, ત્યારે એક હજારનો ગેસનો બાટલો કેવી રીતે પરવડે.. સરકારી આંકડા જ સાક્ષી પૂરે છે કે, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવાનો ટાર્ગેટ ભલે પૂરો થઈ ગયો હોય, પણ તેનો ઉપયોગ સાવ તળિયે બેઠો છે.
લોકો પરંપરાગત બળતણ છાણાં, લાકડા, કોલસા તરફ વળ્યાં
મોંઘવારીના રાક્ષસે સામાન્ય માણસની આર્થિક કમર તોડી નાખી છે. ગજવું સાથ ન આપતું હોવાથી ગરીબ પરિવારો ફરીથી લાકડા, છાણા અને કોલસા જેવા સ્વાસ્થ્ય માટે હાનિકારક પરંપરાગત બળતણ તરફ પાછા વળ્યા છે. આ ઉપરાંત રાંધણ ગેસ મોંઘો થતાં લોકો હવે સગડી, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનનો પણ ઉપયોગ કરતાં થયાં છે. મધ્યમ વર્ગ પણ હવે બજેટ ખોરવાઈ જતાં આર્થિક તણાવ અનુભવી રહ્યો છે, ત્યારે શ્રમિક પરિવારોની સ્થિતિ તો દયનીય બની ગઈ છે.
ગુજરાત સરકાર ભલે વિકાસના ગમે તેટલા દાવા કરે, પરંતુ જમીની હકીકત એ છે કે જ્યાં સુધી જીવનજરૂરી ચીજવસ્તુઓ અને રાંધણ ગેસના ભાવ સામાન્ય માણસની પહોંચમાં નહીં આવે, ત્યાં સુધી આવી સરકારી યોજનાઓ માત્ર કાગળ પર જ સફળ દેખાશે, ગરીબોના રસોડામાં નહીં.









