મોરબીના દારૂ કેસના આરોપી પોલીસકર્મીને હાઈકોર્ટમાંથી ઝટકો, જામીન અરજી ફગાવી

મોરબીના ગોડાઉનમાંથી ઝડપાયેલા રૂ.૯૨ લાખના વિદેશી દારૂના કેસમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ મન્સુર ડાંગરને ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપી તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. તપાસ મુજબ રાજસ્થાનથી આવેલા દારૂ ભરેલા ટ્રકનું કોન્સ્ટેબલ પોતાની કારથી પાયલોટિંગ કરી લોકેશન શેર કરી રહ્યો હતો. રેડ દરમિયાન પોલીસે હજારો દારૂની બોટલો જપ્ત કરી હતી. CCTV ફૂટેજ અને લોકેશન ડેટા પરથી કોન્સ્ટેબલની ભૂમિકા સ્પષ્ટ થઈ હતી.
હાઈકોર્ટે અત્યંત સખત વલણ અપનાવતા અવલોકન કર્યું કે કાયદાનું પાલન કરાવનાર પોલીસ જ ગુનામાં સામેલ થાય તે ખૂબ ગંભીર બાબત છે. સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા કોન્સ્ટેબલની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાનું જણાવી કોર્ટે જામીન ફગાવ્યા છે.
35 હજાર દારૂની બોટલો મળી હતી
મામલાની તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, રાજસ્થાનથી દારૂ ભરેલો ટ્રક મોરબી પહોંચ્યો ત્યારે ક્રેટા કારમાં કોન્સ્ટેબલ મન્સુર ડાંગર ટ્રકનું પાયલોટિંગ કરતો હોવાનો આરોપ છે. તપાસમાં તે ટ્રકની આગળ ક્રેટા કારમાં જઈને તેનું લોકેશન શેર કરતો હોવાની વિગતો પણ સામે આવી હતી. આ ઉપરાંત પ્લાસ્ટિક ભંગારના ધંધાના નામે ગોડાઉન ભાડે રાખવામાં પણ કોન્સ્ટેબલની ભૂમિકા હોવાનો આરોપ તપાસ એજન્સી દ્વારા મૂકવામાં આવ્યો છે. ગોડાઉન પર પાડવામાં આવેલી રેડ દરમિયાન અંદાજે 35 હજાર જેટલી દારૂની બોટલો મળી આવી હતી.
દારૂના સ્ત્રોતની તપાસ માટે વધુ પૂછપરછ જરૂરી
કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, દારૂબંધીનો કાયદો અમલ કરાવવાની જવાબદારી ધરાવતો પોલીસ કર્મચારી જ કાયદો તોડવામાં મદદ કરે તે ગંભીર બાબત છે. આ કેસમાં નાણાકીય લેવડદેવડ અને દારૂના સ્ત્રોત અંગે વધુ તપાસ જરૂરી હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું. હાઈકોર્ટના મતે કોન્સ્ટેબલની કસ્ટોડિયલ પૂછપરછ તપાસ માટે જરૂરી બની શકે છે. આ નિર્ણયથી હવે તપાસ એજન્સી માટે કોન્સ્ટેબલની ભૂમિકા અંગેની તપાસ આગળ વધારવાનો માર્ગ મોકળો થયો છે.

