મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ૨૮ વર્ષથી એકચક્રી શાસન છતાં વિપક્ષ જેવો વિરોધ કેમ? ગુજરાતની રાજનીતિમાં ભાજપની પદયાત્રા બની ચર્ચાનો વિષય!

સોર્સ: gstv

ગુજરાતની રાજનીતિમાં ભાજપની પદયાત્રા બની ચર્ચાનો વિષય!

લોકતંત્ર બચાવોના નારા લગાવી રહેલા શાસક પક્ષ સામે ઉઠ્યા ગંભીર સવાલો!

૨૮ વર્ષથી એકચક્રી શાસન છતાં વિપક્ષ જેવો વિરોધ કેમ?

ગુજરાતની રાજનીતિમાં આજે એક મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યું છે, જ્યાં છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમય એટલે કે આશરે ૨૮ વર્ષથી એકચક્રી સત્તા ભોગવી રહેલું ભાજપ હવે રસ્તા પર ઉતરીને લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવોના નારા લગાવી રહ્યું છે. સાંભળવામાં થોડી નવાઈ લાગશે પરંતુ આ વાસ્તવિકતા છે.. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાંથી યોજાયેલી પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ અને ધારાસભ્યોનો કાફલો રસ્તા પર ઉતર્યો હતો. કેન્દ્ર, રાજ્ય અને અમદાવાદ કોર્પોરેશનમાં પણ ભાજપની જ સત્તા હોવા છતાં પણ શાસક પક્ષના નેતાઓ કોના વિરોધમાં આ પ્રદર્શન કરી રહ્યા છે અને લોકોનું ધ્યાન કઈ તરફ ખેંચવા માંગે છે, તે એક મોટો રાજકીય સવાલ બની ગયો છે...

રાજકીય વિશ્લેષકો આ પદયાત્રા પર તીખો કટાક્ષ કરતા કહી રહ્યા છે કે, ભાજપનું આ વલણ તો પોતે જ આરોપીના કઠેડામાં ઊભા રહેવું અને પોતે જ નિર્દોષ હોવાનો તાજ પહેરી લેવા જેવું છે! પોતાની જ સરકાર, પોતાનું જ તંત્ર અને છતાંય પોતે જ વિરોધનો સૂર આલાપીને વાહવાહી લૂંટવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. સામાન્ય રીતે સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવવાનું, કાયદો-વ્યવસ્થા અંગે અવાજ ઉઠાવવાનું અને લોકશાહીના રક્ષણ માટે રસ્તા પર ઉતરવાનું કામ વિરોધપક્ષનું હોય છે. પરંતુ ગુજરાતમાં શાસક પક્ષ પોતે જ વિપક્ષની ભૂમિકા ભજવીને જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો રાજ્યમાં ખરેખર લોકશાહી ખતરામાં હોય કે અરાજકતા વ્યાપી ગઈ હોય, તો તેના માટે છેલ્લા ૨૮ વર્ષથી સત્તા સ્થાને બેઠેલું ભાજપ પોતે જ જવાબદાર નથી?

ભાજપના નેતાઓ અને મંત્રી ત્રિકમ છાંગા તેમજ ધારાસભ્ય માલતી મહેશ્વરી દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસ દેશમાં અરાજકતા ફેલાવી રહી છે અને વિપક્ષના ભ્રમથી જનતાને બચાવવા માટે આ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ જનતા હવે પૂછી રહી છે કે જો સરકાર પાસે વહીવટી તંત્ર, પોલીસ કાફલો અને તમામ બંધારણીય સત્તાઓ ઉપલબ્ધ છે, તો અરાજકતા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે મંત્રીઓએ રસ્તા પર ઉતરીને પદયાત્રાઓ કેમ કરવી પડે છે? પોતાની પ્રશાસનિક નાકામીઓને છુપાવવા માટે વિપક્ષના નામે દોષનો ટોપલો ઢોળવો એ ભાજપની જૂની અને જાણીતી રાજકીય વ્યૂહરચના રહી છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો