ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી, આ 4 જિલ્લામાં અપાયું રેડ એલર્ટ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં(12 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યાથી 13 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા) 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ઉકાઈમાં સૌથી વધુ 11.81 ઇંચ વરસાદ ખાબક્યો છે. 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગે આગામી 15 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રવિવારે(13 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 24 જિલ્લામાં ધોધમાર વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. પવન સાથે વરસાદી માહોલને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં લો પ્રેશર, મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, સોમવારે(14 સપ્ટેમ્બર) કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, 13થી 19 સપ્ટેમ્બર સુધી ગુજરાત રીજન અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગુજરાત રીજનમાં આગામી 2 દિવસ વ્યાપક વરસાદ અને 15 સપ્ટેમ્બરે પણ ધોધમાર વરસાદ પડી શકે છે, ત્યારબાદ વરસાદની તીવ્રતા અને વિસ્તાર ઘટશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી સાથે 13, 14 અને 15 સપ્ટેમ્બર સુધી ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
4 જિલ્લામાં રેડ ઍલર્ટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં 13 અને 14 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ વોર્નિંગ તથા 15 સપ્ટેમ્બરે એકલ-દોકલ સ્થળોએ ભારે વરસાદ માટે યલો વોર્નિંગ આપવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદ માટે ઓરેન્જ વોર્નિંગ અપાઈ છે.
24 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા
આ ઉપરાંત, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ તથા દીવ માટે યલો વોર્નિંગ આપવામાં આવી છે. અમદાવાદમાં આજનું વાતાવરણ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે ભારે વરસાદના સ્પેલ આવી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય વરસાદના 25.84 ઇંચની સામે 20.96 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 19% ઓછો છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દરિયાકાંઠાની સ્થિતિ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના તટીય વિસ્તારોમાં પવન મુખ્યત્વે પશ્ચિમ દિશામાંથી અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટની ઝડપે ફૂંકાશે, જે વધીને 30 નોટ સુધી જઈ શકે છે. દરિયામાં ખરાબ વાતાવરણને કારણે દક્ષિણ તટીય વિસ્તારમાં LC3 સિગ્નલ લગાવાયું છે અને માછીમારો માટે 13, 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ચેતવણી આપવામાં આવી છે, જેમાં પવનની ઝડપ વધીને 60 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
3 વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાનની સિસ્ટમ વિશે જણાવ્યું, દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તર વિદર્ભ પર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને તે દક્ષિણ-દક્ષિણપશ્ચિમ તરફ નમેલું છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત થઈને આગળ વધશે. મોન્સૂન ટ્રફ જેસલમેર, કોટા અને લો પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યારે બીજું એક ટ્રફ દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રથી લો પ્રેશરના કેન્દ્ર સુધી 5.8 કિલોમીટરની ઊંચાઈ પર બનેલું છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ ડિવિઝન પર 5.8 કિલોમીટરની ઊંચાઈએ 73 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર સક્રિય છે.

