શીલજ અકસ્માતમાં યુવતીના મોતનો આરોપી રાજસ્થાનથી ઝડપાયો, પતિએ વીડિયો મારફતે કરી હતી ધરપકડની માંગ

અમદાવાદના શીલજ કેનાલ રોડ પર બેફામ ટુ વ્હીલરની ટક્કરથી નવપરિણીત મહિલાનું મોત નીપજ્યું હતું. પત્નીનો મોતને લઈને પતિએ ન્યાયની માગનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપી સુનિલ પરમારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગત 12 સપ્ટેમ્બરના રોજ શીલજ કેનાલ રોડ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફુલ સ્પીડમાં આવતા ટુ વ્હીલરના ચાલકે એક્સેસ લઈને જતી 29 વર્ષીય નીશી દરજીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે નીશીનું મોત થયું હતું. આ ઘટના સંદર્ભે બોપલ પોલીસ સ્ટેશનમાં ટુ વ્હીલર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
રાજસ્થાનના ડુંગરપુરથી આરોપી ઝડપાયો
આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે અકસ્માત સર્જનાર આરોપીની ઓળખ 19 વર્ષીય સુનિલ ઉર્ફે સુણકો ગણેશ પરમાર(મૂળ રહે. ડુંગરપુર, રાજસ્થાન) તરીકે કરી હતી. અકસ્માત બાદ આરોપી સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો, જ્યાંથી તે ડૉક્ટરની રજા લીધા વિના જ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ બોપલ પોલીસે ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને ફરાર આરોપી સુનિલને તેના વતન રાજસ્થાનના ડુંગરપુર ખાતેથી ઝડપી પાડી આજે(16 સપ્ટેમ્બર) સવારે તેની સત્તાવાર ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
બોપલ ખાતે રહેતા અને વ્યવસાયે કોરિયોગ્રાફર હાર્દિક દરજી હાલ સાયન્સ સિટી ખાતે બ્લૂમિંગ કેમ્પમાં ગરબા ક્લાસ ચલાવે છે. બે મહિના પૂર્વે જ તેમના લગ્ન વસ્ત્રાપુરની નિશિ સાથે થયા હતા. 11 સપ્ટેમ્બરે ક્લાસ પૂર્ણ કર્યા બાદ હાર્દિક પોતાના બાઈક પર અને નિશિ એક્સેસ પર ઘર તરફ નીકળ્યા હતા. આ દરમિયાન ડી.પી.એસ. કેનાલ રોડ પર માધવ અધવેદ કોમ્પ્લેક્સ પાસે રોડ ક્રોસ કરતી વેળાએ પૂરપાટ ઝડપે આવેલા બાઈકે નિશિના વાહનને અડફેટે લીધું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં નિશિને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

