ઓઢવમાં આંગડિયા કર્મીનું અપહરણ કરી ₹34 લાખ લૂંટ્યા, પછી 5 રાજ્યોમાં મોજ કરી! જાણો કેવી રીતે ફૂટ્યો નકલી GST અધિકારીઓનો ભાંડો

અમદાવાદના ઓઢવ ઓવરબ્રિજ પર 21 ઑક્ટોબરની રાત્રે બાપુનગરની એન.આર. આંગડિયા પેઢીના કર્મચારી કેતન પરીખને નકલી GST અધિકારી બની આંતરી, અપહરણ કરી ₹34 લાખની લૂંટ ચલાવવાના ચકચારી કેસમાં ઝોન-8 એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચે હિમાચલ પ્રદેશ પોલીસની મદદથી મુખ્ય લૂંટારૂ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
₹34 લાખ લૂંટવાના કેસમાં હિમાચલથી વધુ 3 ઝડપાયા
અગાઉ ઝડપાયેલા મુખ્ય કાવતરાખોર પ્રીતમ ગોહિલની કડીઓના આધારે પોલીસે વિશ્વજીત ગોસ્વામી, વિકાસ ભારદ્વાજ અને આશરો આપી મદદ કરનાર અમિત શેમડિયા (ગોહિલ)ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી નવી કાર, આઇફોન અને રોકડ સહિત કુલ રૂ. 28 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
બાપુનગરની એન.આર. આંગડિયા પેઢીના કર્મચારી કેતન પરીખ 21 ઑક્ટોબરની રાત્રે બેંકમાંથી ₹34 લાખની રોકડ રકમ લઈને ઓઢવ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કારમાં આવેલા શખસોએ પોતાની ઓળખ GST અધિકારી તરીકે આપી કેતન પરીખનું અપહરણ કરી કારમાં બેસાડી દીધા હતા. આરોપીઓ તેમને કઠવાડા તરફ લઈ ગયા હતા અને ₹34 લાખની રોકડ લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ઓઢવ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ કાવતરાખોર પ્રીતમ ગોહિલની ધરપકડ કરી હતી.
મુખ્ય સૂત્રધાર પ્રીતમ અગાઉ આ જ પ્રકારે ચાલતી આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો. નવી પેઢી શરૂ થતાં ગ્રાહકો તૂટવા બાબતે તકરાર થઈ હતી. પ્રીતમે એવું માનીને કાવતરું ઘડ્યું હતું કે આંગડિયા પેઢીના નાણાં હોવાથી બદનામી કે ડરના કારણે પેઢી સંચાલકો પોલીસ ફરિયાદ નોંધાવશે નહીં અને પાછળથી સેટલમેન્ટ કરી લેવાશે. આથી તેણે પરિચિત વિશ્વજીત ગોસ્વામીને લૂંટ માટે તૈયાર કર્યો હતો. વિશ્વજીતે વિકાસ ભારદ્વાજ નામના ડ્રાઇવરને સાથે રાખી અપહરણ અને લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો.
લૂંટ બાદ પ્રીતમને દિલ્હી હિસ્સો આપવા બોલાવાયો હતો. ત્યારબાદ આરોપીઓ દિલ્હી, લખનઉ, ઇટાવા, ભીંડ, મોરેના અને ગ્વાલિયર ફરતા રહ્યા હતા. પ્રીતમના ભાઈ અમિત શેમડિયાએ આરોપીઓને હિમાચલ તરફ ભાગવામાં મદદ કરી હતી. આરોપીઓએ હિમાચલમાં સિમકાર્ડ અને ફોન બદલી નાખ્યા હતા અને લેહ તરફ ભાગી અંડરગ્રાઉન્ડ થવાની ફિરાકમાં હતા. જો કે, ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે હિમાચલ પોલીસની મદદથી બેરિકેડિંગ કરાવી ત્રણેયને ઝડપી લીધા હતા.
₹34 લાખમાંથી ક્યાં કેટલો ખર્ચ કર્યો?
- ₹10 લાખની બ્રેઝા કાર: લૂંટ બાદ આરોપીઓએ ગ્વાલિયર જઈ પ્રીતમ અને અમિતના પિતાના નામે નવી બ્રેઝા કાર ખરીદી હતી.
- ₹1.50 લાખનો આઇફોન: આરોપીઓએ દોઢ લાખ રૂપિયાનો નવો આઇફોન 17 પ્રો ખરીદ્યો હતો.
- ₹5 લાખ ખાતામાં ટ્રાન્સફર: નાગપુરમાં રહેતા એક મિત્રના બેંક એકાઉન્ટમાં ₹5 લાખ જમા કરાવ્યા હતા, જે ખાતું પોલીસે તાત્કાલિક ફ્રીઝ કરાવ્યું છે.
- પિતા અને ડ્રાઇવરને રકમ: અગાઉ પકડાયેલા પ્રીતમના પિતાને ₹2.56 લાખ રોકડા અપાયા હતા. જ્યારે ડ્રાઇવર વિકાસને ₹30,000 આપી તેમાંથી ₹20,000 પરત લઈ ₹10,000માં રવાના કરાયો હતો.
કયા આરોપીનો શું રોલ?
- વિશ્વજીત ગોસ્વામી: મુખ્ય આરોપી વિશ્વજીત સામે ભૂતકાળમાં મારામારી સહિતના બેથી ત્રણ ગુના નોંધાયેલા છે.
- વિકાસ ભારદ્વાજ (ડ્રાઇવર): કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. શરૂઆતમાં કાવતરાની જાણ ન હોવાનો તેનો દાવો છે.
- અમિત શેમડિયા (ગોહિલ): કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. ગુના બાદ આરોપીઓને આશરો આપવા અને નાણાં સગેવગે કરવામાં મદદગારી કરી હતી.














