મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ CP થી સીધા રાજ્યના પોલીસ વડા: 1993 બેચના IPS જી. એસ. મલિક તાત્કાલિક અસરથી સંભાળશે DGP પદ

ગુજરાતના પોલીસ બેડામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે

અમદાવાદ CP થી સીધા રાજ્યના પોલીસ વડા: 1993 બેચના IPS જી. એસ. મલિક તાત્કાલિક અસરથી સંભાળશે DGP પદ
આ સમાચાર સાંભળો

ગુજરાતના પોલીસ બેડામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરીને અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર (CP) જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (જી. એસ. મલિક) ને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા એટલે કે DGP તરીકે નિયુક્ત કર્યા છે. શનિવાર 6 જૂન 2026ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતેથી ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું  બહાર પાડવામાં આવ્યું છે.

તાત્કાલિક અસરથી સોંપાઈ કમાન

ગૃહ વિભાગના નોટિફિકેશન મુજબ, 1993 બેચના વરિષ્ઠ આઇપીએસ (IPS) અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની આ ખાલી પડેલી કેડર પોસ્ટ પર તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલના આદેશથી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ઇનચાર્જ રાજ્ય પોલીસ વડા તરીકે સેવા આપતા કે.એલ.એન. રાવ ટૂંક સમયમાં નિવૃત્ત થઈ રહ્યા હોવાથી, આ મહત્વપૂર્ણ બદલી અને બઢતી સાથે હવે ગુજરાતને કાયમી અને પૂર્ણકાલીન DGP મળ્યા છે.

1993ની બેચના સિનિયર IPS અધિકારી જી. એસ. મલિક પોતાના 32 વર્ષના લાંબા અને પ્રશંસનીય કાર્યકાળમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. અમદાવાદના સફળ પોલીસ કમિશનર તરીકેની સરાહનીય કામગીરી બાદ, હવે તેઓ આખા રાજ્યના પોલીસ તંત્રની કમાન સંભાળશે. મલિક સાહેબની આ બઢતીને પગલે હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે.

તાત્કાલિક અસરથી સોંપાઈ કમાન

ગૃહ વિભાગના નોટિફિકેશન મુજબ, 1993 બેચના વરિષ્ઠ આઇપીએસ (IPS) અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની આ ખાલી પડેલી કેડર પોસ્ટ પર તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલના આદેશથી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને પહેલા એલ.એન.રાવ જવાબદારી સંભાળી રહ્યા હતા. જી.એસ.મલિક બીએસએફમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. હવે તે ગુજરાતના કાયમી ડીજીપી બની ગયા છે.

રાજ્યના નવા વડાની ઐતિહાસિક સફર

જ્ઞાનેન્દ્રસિંહ મલિક ગુજરાત કેડરના ૧૯૯૩ બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વતની છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક. અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી. કર્યું છે. તાલીમ પછી તેઓની એ.એસ.પી. ભુજ તરીકે નિમણૂક થયેલ. તેઓએ છ જિલ્લાઓ (ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ રૂરલ, ભરૂચ અને કચ્છ) ના જિલ્લા એસ.પી. અને ૪ રેન્જ (બોર્ડર, અમદાવાદ, વડોદરા અને સુરત રેન્જ)ના વડા તરીકે સેવા આપી છે. તેમણે ગુજરાતના મા. રાજ્યપાલના એ.ડી.સી., અમદાવાદ શહેર ડીસીપી (ક્રાઇમ બ્રાન્ચ) અને અમદાવાદ શહેર અને વડોદરા શહેરમાં એડિશનલ કમિશનર તરીકે પણ સેવા આપી છે. સીઆઈડી (ક્રાઇમ), સીઆઈડી (ઇન્ટેલિજન્સ), એન્ટી કરપ્શન બ્યુરો, નશાબંધી અને આબકારી વિભાગ અને ગૃહ વિભાગમાં સચિવ તરીકે પણ તેઓએ સેવા આપી છે.

વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૧૮ સુધી, અતિરિક્ત નિદેશક, ACB/સચિવ (ગૃહ)/IGP વડોદરા રેન્જ અને સુરત રેન્જ તરીકે મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળવા ઉપરાંત તેઓને પોલીસ કોન્સ્ટેબલ ભરતી બોર્ડના ચેરમેન તરીકે પણ નિયુક્ત કરવામાં આવેલ હતા. આ સમયગાળા દરમિયાન આશરે 24,000 પોલીસ કોન્સ્ટેબલની ભરતી ખૂબ જ પારદર્શક રીતે કરવામાં આવી હતી અને તમામ ભરતીમાં 10 મહિનાથી ઓછા સમયગાળામાં પરીક્ષાનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આમ, વર્તમાન ગુજરાત પોલીસમાં હાજર મહેકમ પેટે લગભગ 20% પોલીસ કર્મચારીઓની ભરતી જે બોર્ડ દ્વારા કરવામાં આવી હતી તેના તેઓએ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

તેમણે લગભગ પાંચ વર્ષ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર રહીને, જે દરમિયાન તેમણે લગભગ 4 વર્ષ સુધી BSFમાં ગુજરાત ફ્રન્ટિયરનાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે સેવા આપી છે. આ કાર્યકાળ દરમિયાન, તેમના વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ ભારતીય સેના અને વાયુસેનાના સહયોગથી કચ્છના હરામી નાળામાં પ્થમવાર એક અત્યંત સાહસિક ‘હેલિબોર્ન ઓપરેશન’ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ. જેના પરિણામે 11 પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી હતી અને 6 પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

BSFમાં સેવા આપ્યા બાદ તેમણે CISFમાં પણ સેવા આપેલ, જે દરમિયાન તેમને દિલ્હીમાં ADG (નૉર્થ) અને ADG (એરપોર્ટ સેક્ટર) તરીકે નિયુક્ત કરવામાં આવેલ.

તેઓએ વર્ષ 2002 માં યુગોસ્લાવિયાના કોસોવોમાં એક વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના મિશન (UN Peacekeeping Mission) હેઠળ પણ સેવા આપેલી છે, જ્યાં તેઓ યુદ્ધ અપરાધ ગુનાઓની તપાસ સાથે સંકળાયેલા હતા. ભારતીય પોલીસ સેવામાં જોડાતા પહેલા, તેઓ ONGC બોમ્બે હાઈ અને ભારતીય રેલ્વેમાં પણ સેવા આપતા હતા.

તેઓ એક ઉત્સાહી રમતપ્રેમી વ્યક્તિ છે જેમણે ઘોડેસવારી, વ્યક્તિગત ટેન્ટ પેગિંગ ઇવેન્ટ્સ, પિસ્તોલ શૂટિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ અને ગોલ્ફમાં મેડલ જીત્યા છે. તેઓ બેડમિન્ટન અને ચેસ પણ રમે છે. તેઓશ્રીને મેરિટોરિયસ સર્વિસ તથા વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.

શ્રી મલિક કેન્દ્રીય ડેપ્યુટેશનથી ગુજરાતમાં તા. 31-07-2023 ના રોજ પરત ફર્યા અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે જોડાયા. તેમના કાર્યકાળ દરમિયાન, સમગ્ર ગુજરાત રાજ્યમાં કદાચ સૌથી મોટી અતિક્રમણ દૂર કરવાની ઝુંબેશ ચંડોળા તળાવની આસપાસ  હાથ ધરવામાં આવી હતી. જેમાં કોઈપણ અનિચ્છનીય ઘટના વિના લગભગ 4,00,000 ચોરસ મીટર સરકારી જમીન સાફ કરવામાં આવી હતી અને 10,000થી વધુ ગેરકાયદેસર મકાનો દૂર કરવામાં આવ્યા હતા. આ વિસ્તાર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ માટે સલામત આશ્રયસ્થાન માનવામાં આવતો હતો.

તેમની વિશેષ પહેલ અને જનભાગીદારીના સહયોગથી, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં 24,000થી વધુ સીસીટીવી (CCTV) કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પૈકી, 3,000થી વધુ અતિ મહત્વના કેમેરાનું લાઈવ ફીડ સીધું જ સંબંધિત પોલીસ સ્ટેશનો અને શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે જોવામાં આવી રહ્યું છે. આ વ્યાપક નેટવર્ક, રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અગાઉથી સ્થાપિત કરાયેલા આશરે 4,000 સીસીટીવી કેમેરા ઉપરાંત છે, જેનું શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા 24x7 સતત મોનિટરિંગ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે એક ખૂબ જ જાણીતું યુરોપિયન સંસ્થા ‘નમ્બિયો’ (Numbeo) દ્વારા વર્ષ 2025માં બહાર પાડવામાં આવેલી સુરક્ષિત શહેરોની યાદીમાં અમદાવાદ શહેરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સિદ્ધિ અસરકારક પોલીસિંગ, ટેકનોલોજીનો મહત્વપૂર્ણ ઉપયોગ અને સક્રિય લોકભાગીદારીથી પ્રાપ્ત થઈ છે.

આ સમાચાર શેર કરો