મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ડીસામાં 'નમો ડ્રોન દીદી' યોજના અંતર્ગત પગભર થતી મહિલા, ખેતરમાં દવા છંટકાવ કરી રળી રહી છે આવક

બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામની આશાબેન ચૌધરી આજે ખેતી ક્ષેત્રમાં ડ્

સોર્સ: GSTV

 બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામની આશાબેન ચૌધરી આજે ખેતી ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા રોજગાર મેળવી રહી છે. નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત તાલીમ મેળવી આશાબેન ડ્રોન પાયલોટ તરીકે કાર્યરત છે. ખેતીમાં દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરીને તેઓ આવક મેળવી રહ્યા છે. 

પુણે ખાતે ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવી હતી 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા હતા. બાદમાં તેમણે સ્વસહાય જૂથ સાથે મળીને વિવિધ તાલીમોમાં ભાગ લીધો. આ દરમિયાન નમો ડ્રોન દીદી યોજના વિશે માહિતી મળતાં અરજી કરી હતી. પસંદગી બાદ પુણે ખાતે ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવી હતી અને ડ્રોન પાયલોટનું લાયસન્સ મળ્યું હતું. ત્યારબાદ આશાબેને ખેતીમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કર્યો. ડ્રોનથી ઓછા સમયમાં વધુ વિસ્તાર કવર થતો હોવાથી ખેડૂતો માટે આ સેવા ઉપયોગી બની રહી છે.

 બહારના જિલ્લાઓમાંથી પણ મળે છે કામ

ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવાથી સમય અને મહેનત બંને બચે છે. હવે આસપાસના વિસ્તારો ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ કામ મળે છે. આ યોજના અંતર્ગત આશાબેનને ડ્રોન, તેને લઈ જવા માટે ઇ-વાહન અને વીજ પુરવઠા માટે જનરેટર આપવામાં આવ્યા છે. આશાબેન મગફળી, એરંડા, બાજરી, બટાકા સહિતના પાકોમાં ડ્રોન દ્વારા છંટકાવ કરી ચૂક્યા છે. ખેતી ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતા આવા પ્રયાસો ગ્રામ્ય વિસ્તારોમાં નવા રોજગારના વિકલ્પ તરીકે સામે આવી રહ્યા છે. બનાસકાંઠાની આશાબેન ચૌધરીની કામગીરીથી અન્ય બહેનો પણ આ ક્ષેત્ર તરફ આગળ વધવાની પ્રેરણા લઈ રહી છે. 

આ સમાચાર શેર કરો