Video: Dahod માં રાવણ બનાવવાની કામગીરી પુરજોશમાં, જાણો ક્યાં દહન થશે સૌથી મોટો રાવણ
નવરાત્રી પછી વિજયાદશમી પર્વની ઉજવણી થતી હોય છે. ગુજરાતમાં અનેક સ્થળ પર રાવણ દહનના
નવરાત્રી પછી વિજયાદશમી પર્વની ઉજવણી થતી હોય છે. ગુજરાતમાં અનેક સ્થળ પર રાવણ દહનના કાર્યક્રમ યોજાય છે. ત્યારે દાહોદના પરેલ વિસ્તારમાં ખૂબજ રંગબેરંગી રાવણના પુતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં બીજા નંબરના સૌથી ઊંચા રાવણના પુતળાનું દહન દાહોદ ખાતે કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
નવરાત્રીના નવ દિવસ પછી દેશભરમાં વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલા દાહોદ જિલ્લામાં કેટલીક જગ્યાએ રાવણના પુતળાનું દહન કાર્યક્રમ યોજાય છે. તેમાં દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં સી-સાઈટ પર શિવશક્તિ ગરબા મંડળ દ્વારા નવરાત્રીના નવ દિવસ ગરબા પછી ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા રાવણ પુતળાનું દહન કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી ઊંચાં 71 ફૂટના રાવણના પુતળાનું દહન થવાનું છે. જ્યારે દાહોદના પરેલ વિસ્તારમાં 60 ફૂટ કરતાં પણ વધુ ઊંચાઈ ધરાવતા રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળાઓનું દહન કરવામાં આવશે.
આગ્રાથી ખાસ આવ્યા છે કારીગરો
આમાં ખાસ આગ્રાના ત્રીજી પેઢીના 40 જેટલા કારીગરો દ્વારા રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાઓ બનાવવામાં આવી રહ્યા છે. હાલ કારીગરો દ્વારા રાવણના માથા અને પગનો ભાગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે રાવણના દશમુખ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. હવે કારીગરો દ્વારા પેટ અને છાતીનો ભાગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં લાકડી, દોરી, રંગીન કાગળ સહિતના મટિરિયલનો ઉપયોગ કરી 25 દિવસની મહેનત પછી રાવણનું પુતળું તૈયાર કરી દેવામાં આવશે. અને વિજયા દિવસે એટલે દશેરાના દિવસે અસત્ય પર સત્યના વિજયની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે, જેનો લાભ લેવા દાહોદ સહિત આસપાસના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.












