VIDEO: દાહોદના અંતેલામાં સ્કૂલ બસમાંથી ઉતરતી વખતે બાળકીનું ટાયર નીચે આવતા મોત
ગુજરાતના દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના અંતેલા
ગુજરાતના દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામમાં ભયાનક અકસ્માતની દુર્ઘટના બની હતી. મળતા અહેવાલ પ્રમાણે શ્રી હસ્તેશ્વર સ્કૂલ, લીમખેડાની સ્કૂલ બસમાંથી ઉતરતી વખતે બાળકી ટાયર નીચે આવી ગઈ હતી. બાળકી કચડાતા તેનું મોત નિપજ્યું હતું. મૃતક બાળકીનું નામ ધ્રુવિકા પટેલ, અને તેની ઉંમર 4 વર્ષ હતી. ઉલ્લેખનીય છે કે આ બાળકી અંતેલા ગામમાં વસવાટ કરતા પ્રકાશ પટેલનામના આધેડની પુત્રી હતી. બાળકી શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં અપર કે.જી.માં અભ્યાસ કરતી હતી.
બસ ચાલકે અચાનક બસ ચલાવી, જેના કારણે ધ્રુવિકા નીચે પડી
ધ્રુવિકાની માતા તેને લેવા બસ પાસે હાજર હતી, પરંતુ બસ ચાલકે અચાનક બસ ચલાવી, જેના કારણે ધ્રુવિકા નીચે પડી અને બસનું પાછળનું ટાયર તેના ઉપર ફરી વળ્યું. માતાની આંખો સમક્ષ બનેલી આ ઘટનાથી પરિવાર શોકમાં ડૂબી ગયો.
ફરાર થવાનો પ્રયાસ કરનાર બસ ચાલકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો
ઘટના બાદ ગુસ્સે થયેલા ગ્રામજનોએ ફરાર થવાનો પ્રયાસ કરનાર બસ ચાલકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો. પોલીસે ધ્રુવિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દેવગઢબારિયા હોસ્પિટલ મોકલ્યો અને બસ જપ્ત કરી તપાસ શરૂ કરી.










